ભુજ નગરપાલિકાના વિપક્ષી કોંગ્રેસી નગરસેવિકાના પતિઅે ટેન્કર મારફતે મફતમાં પાણી વિતરણ બંધ કર્યાના નિર્ણયને પોકળ ગણાવ્યો હતો અને નગરપતિની સૂચનાથી ચાર્જ લીધા વિના 5 વર્ધી કરાયાનો અાક્ષેપ કર્યો હતો. જોકે, બીજી તરફ નગરપતિઅે રૂપિયા ભર્યાની રસીદ બતાવીને વિપક્ષી દાવાને પોકળ ગણાવ્યો હતો. અામ, વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ ફરી વિવાદમાં અાવી ગઈ છે.
કોંગ્રેસી નગરસેવિકા મરીયમબેનના પતિ હાસમ સમા રાવલવાડી ટાંકા પાસે વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચમાં ગયા હતા. તેમણે વર્ધીઅોનું લિસ્ટ માંગ્યું હતું, જેમાં 5 ચિઠ્ઠીઅોનો વર્ધી હતી. પરંતુ, પ્રત્યેક ટેન્કરે 200 રૂપિયા ભરાયાની રસી ન હતી, જેથી મુખ્ય અધિકારી જીગર પટેલ અને બ્રાન્ચ હેડ દક્ષેષ ભટ્ટ સહિતનાને કોલ કર્યો હતો.
કર્મચારીઅે કહ્યું હતું કે, બ્રાન્ચ હેડની સૂચના છે અને બ્રાન્ચ હેડે કહ્યું હતું કે, પ્રમુખની સૂચના હતી. જે બાદ નગરસેવિકાના પતિઅે પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને વિગતે વ્હોટ્સ અેપ કર્યો હતો. જોકે, બીજી તરફ તરત જ નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર તરફ જ હરકતમાં અાવ્યા હતા અને 5 વર્ધીના 1000 રૂપિયા ભર્યાની રસીદ રજુ કરી હતી.
નગરપતિઅે વધુમાં કહ્યું હતું કે, રેવન્યુ કોલોનીમાં પાણી વિતરણમાં ક્ષતિ સર્જાઈ હતી. જે દરમિયાન પાણીની જરૂરતનો રહેવાસીનો કોલ અાવતા તાત્કાલિક વોટર ટેન્કર મોકલી દીધું હતું અને બાદમાં મેં જાતે રૂપિયા ભરી રસીદ મેળવી હતી.
મફત વિતરણ બંધ થયા બાદનો વિવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, અેપ્રિલ માસના પ્રારંભે મફત વોટર ટેન્કર મેળવવા વિપક્ષી નગરસેવકોઅે દબાણ કર્યા બાદ તાત્કાલિક અસરથી ટેન્કર મારફતે પાણી વિતરણ બંધ કરી દેવાયું હતું. જે બાદ પ્રત્યેક ટેન્કર 200 રૂપિયા ચાર્જ ભરનારાને જ ટેન્કરથી પાણી વિતરણનો નિર્ણય લેવાયો હતો. જે નિર્ણયની પોકળતા સાબિત કર્યાનો વિપક્ષી કોંગ્રેસી નગરસેવિકા મરીયમબેનના પતિ હાસમ સમાનો દાવો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.