આયોજન:ભુજ, ગાંધીધામ અને માંડવીમાં એક હજાર કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ લેણા કરોડોમાં ચડી જતા ભારણ ઘટાડવાનું આયોજન
  • જીયુડીસીએ 7.60 કરોડના ટેન્ડર બહાર પાડ્યા
  • પાણીના સંપ પર સોલાર પ્લેટો બેસાડાશે

કચ્છની અામ તો તમાામ નગરપાલિકાઅોની અાર્થિક હાલત ખૂબ જ નબળી છે. અોછી વેરા વસુલાતના લીધે સ્વભંડોળ તળીયા ઝાટક રહેતુ હોય છે. તેમાં પણ પાણી અને વીજળીના કરોડો રૂપિયાના બીલોના ચૂકવણા બાકી છે. તેવામાં જિલ્લાની ભુજ, ગાંધીધામ અને માંડવી પાલિકાના પાણીના સમ્પ પર સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરી વીજળીનો ખર્ચ બચાવવાની યોજના શરૂ કરાઇ છે. જીયુડીસી દ્વારા અા યોજના માટે રૂા. 7.60 કરોડના ટેન્ડર બહાર પાડી દેવામાં અાવ્યા છે.

અા અંગે મળતી વિગતો મુજબ રાજ્યની નગરપાલિકાઅો પ્રદૂષણ રહિત વીજળી મેળવે તથા વીજ બીલના ખર્ચમાં પણ ઘટાડો થાય તે હેતુથી જીયુડીસી દ્વારા વિવિધ નગરપાલિકાઅોની જમીનો પર સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં અાવી રહી છે. વાત કચ્છની પાલિકાઅોની કરવામાં અાવે તો તમામની અાર્થિક હાલત નબળી છે. કચ્છની પાલિકાઅો પર હાલ હાલ અધધ 100 કરોડનું વીજલેણું હોવાનો અંદાજ છે. ભુજ, અંજાર,ભચાઉ, માંડવી અને રાપર પાલિકાઅો દ્વારા વીજ લેણાની રકમ ભરવામાં પાછીપાની કરવામાં અાવી રહી છે. સ્વભંડોળ તળિયા ઝાટક હોવાથી કરોડોના વીજ લેણા બાકી છે.

ભુજ પાલિકા માથે તો અધધ 30 કરોડથી વધારે વીજ લેણા બાકી છે. તેવામાં જીયુડીસી દ્વારા ગાંધીધામ, ભુજ અને માંડવીમાં સોલાર પ્લાન્ટ સ્થપાતા વીજ બીલની રકમ ઘટશે તેવી અાશા રાખી શકાય. ગાંધીધામ ખાતે તો રામબાગ સમ્પ પર જ અા પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરાયુ હતું. તેવામાં હવે ભુજમાં અેસટીપી પ્લાન્ટ ખાતે અને માંડવીમાં કલવાન વોટર વર્કસ અા સોલાર પ્લાન્ટ સ્થપાશે.

ભુજમાં 475 કિલો વોટ, ગાંધીધામમાં 425 કિલો વોટ તથા માંડવીમાં 99 કિલો વોટનો પ્લાન્ટ સ્થપાશે. જીયુડીસીઅે અા અંગે ત્રણ શહેરોમાં અા સોલાર ક્લસ્ટરના સ્થાપન માટે ટેન્ડરો બહાર પાડ્યા છે. જેમાં પાંચ વર્ષના સમયગાળા માટે સૌર પ્લાન્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, પુરવઠો અને પ્રાપ્તિ, પરીક્ષણ, કમિશનિંગ અને સંચાલન અને જાળવણીની જોગવાઇ કરાઇ છે. અા કામ માટે 7.60 કરોડની રકમના ટેન્ડરો બહાર પાડવામાં અાવ્યા છે.

યોજનાની અમલવારી અને જાળવણી મુશ્કેલ
કચ્છની સુધરાઇઅોના વહીવટ સામે લાંબા સમયથી ફરિયાદો છે. જેના પગલે પાલિકાઅો પર કરોડોના લેણા ચડી ગયા છે. વીજ લેણાની સાથે પાણીના ચૂકવણા પણ બાકી છે. ગાંધીધામ પાલિકા પર તો અેક અબજથી વધારે પાણીનું લેણું છે ! તેવામાં અા પ્રોજેક્ટની અમલવારી ઝડપથી થાય તે જરૂરી છે. પરંતુ પાલિકાઅોના હાલના વહીવટ જોતા તે મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો પણ સુધરાઇના સત્તાધિશો અને અધિકારીઅો સારી રીતે કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...