જીવલેણ અકસ્માત:કચ્છના નારાયણ સરોવર પાસે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, એક ઘવાયો

કચ્છ (ભુજ )16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરવાંઢથી જામ જખરા પીરના મેળામાં જતી વેળાએ બાઈક સવારો અકસ્માતનો ભોગ બન્યા

અબડાસા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર પાસેના ધોરીમાર્ગ પરના કનોજ પાટિયા નજીક આજે સોમવારે બપોરે બાઈક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અબડાસાના કેરવાંઢથી જામ જખરાપીરના મેળામાં જતી વેળાએ બાઈક સવાર બે જણ અકસ્માતનો ભોગ બન્યા હતા. માથા, હાથ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પામેલા યુવકોને સારવાર અર્થે લખપતના દયાપર સરકારી દવાખાને 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 50 વર્ષીય ઉંમર હુસેન કેરનું સારવાર મળે તે પહેલાજ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 35 વર્ષીય હુસેન અબ્દુલા કેરને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું નયન જોશીએ જણાવ્યું હતું.

ઘાયલને ભુજ જીકે હોસ્પિટલમાં ખસેડાયો
આ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે નારાયણ સરોવરથી એક કિલોમીટર દૂર ધોરીમાર્ગ પરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક પાંધ્રો તરફથી આવતી માંડવી નારાયણ સરોવર રૂટની બસ સાથે બાઈકનો જીવલેણ અકસ્માત સર્જાયો હતો. તેમાં ગંભીર ઈજાઓ પામેલા બન્ને બાઈક સવારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે દયાપર પીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉમર કેરનું સારવાર પૂર્વેજ મૃત્યુ થયાનું જાહેર થયું હતું. જ્યારે હુસેન કેરને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ વેળાએ સમાજના લોકો દવાખાને દોડી આવી હતી અને ઘાયલને સારવાર માટે ખસેસવા મદદરૂપ બન્યા હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું. નારાયણ સરોવર પોલીસે જાણવા જોગ પરથી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...