કચ્છમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે બુધવારે જોરદાર ઝાપટાંથી ભુજ તાલુકાના ઝીંકડી પંથકમાં એક ઇંચ, આડેસર વિસ્તારમાં અડધો ઇંચ તેમજ ભુજ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં ઝરમર ઝાપટાં વરસ્યા હતા.
હવામાન વિભાગના વર્તારા મુજબ હજુ રવિવાર સુધી જિલ્લાના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સોમવારથી વાતાવરણ ખુલ્લું થઇ જશે. કચ્છના લોકો પણ ઇચ્છી રહ્યા છે કે, વાતાવરણ ખુલ્લું થાય અને મેઘરાજા વિરામ લે, જેથી વાવણી થઇ શકે. વરસાદની આગાહી વચ્ચે બુધવારે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અમુક સ્થળે ઝાપટાંથી મેઘરાજાએ હાજરી પૂરાવી હતી.
જિલ્લા મથક ભુજમાં સવારથી બપોર સુધી ઝરમર ઝાપટાં વરસ્યા હતા. તો તાલુકાના ઝીંકડી, બોલાડી પંથકમાં જોરદાર ઝાપટું વરસી જતાં અેક ઇંચ પાણી પડી ગયું હતું અને બોલાડી છેલ્લામાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. ગાંધીધામ, આદિપુર, અંજાર, મુન્દ્રા પંથકમાં પણ સવારથી બપોર સુધી કયારેક-કયારેક ઝાપટું વરસી જતાં માર્ગો ભીના થયા હતા.
રાપરમાં ઝરમરથી માર્ગો ભીના થયા હતા. તો તાલુકાના આડેસર વિસ્તારમાં એક વાગ્યાથી 21 મિનિટ સુધી જોરદાર ઝાપટું વરસતાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો, જેના પગલે ગામની શેરીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. જો કે, જિલ્લા કન્ટ્રોલ રૂમના આંકડા મુજબ મુન્દ્રામાં 5 મીમી, અંજારમાં 4 મીમી અને રાપરમાં 1 મીમી વરસાદ પડ્યો હતો. બુધવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અનુક્રમે ભુજમાં 30.3 ડિગ્રી, 25.6 ડિગ્રી, નલિયા 31.6 ડિગ્રી, 26.4 ડિગ્રી, કંડલા પોર્ટ 32.2 ડિગ્રી, 26.0 ડિગ્રી અને કંડલા અેરપોર્ટમાં 30.6 ડિગ્રી, 25.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.