તસ્કરી:એપીએમસી માર્કેટમાં શાકભાજી લેવા આવેલા વેપારીના દોઢ લાખ ચોરાયા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પાનો કાચ તોડી અજાણ્યો શખ્સ રૂપિયા ભરેલો થેલો ઉઠાવી ગયો
  • જાણભેદુનો હાથ હોવાની આશંકા: સીસીટીવીમાં ફૂટેજ અસ્પષ્ટ

શહેરમાં એપીએમસી માર્કેટ ખાતે શાકભાજી લેવા આવેલા વેપારીના ટેમ્પોમાંથી અજાણ્યો શખ્સ રૂપિયા દોઢ લાખની ચોરી કરીને નાસી જતા ભારે ચકચાર મચી ગઇ હતી.

બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી કેમ્પ એરિયામાં રહેતા જશરાજસિંહ જુવાનસિંહ સોઢા આજે સવારે ટેમ્પો લઈને એપીએમસી માર્કેટમાં નિત્યક્રમ પ્રમાણે શાકભાજી લેવા ગયા હતા. તેઓ માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા ત્યારે ટેમ્પોમાં રૂપિયા ભરેલો થેલો પડ્યો હતો.આ દરમ્યાન કોઈ શખ્સોએ ટેમ્પાનો કાચ તોડીને તેમાં રહેલો થેલો ઝૂંટવી જતા દોઢ લાખની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તપાસનીશ પીએસઆઇ તરુણ પટેલે જણાવ્યું કે,ફરિયાદી વેપારી દરરોજ એપીએમસીમાં શાકભાજી લેવા આવે છે અને બાદમાં તેનું વેચાણ કરે છે. તેઓ જ્યારે શનિવારે સવારે આવ્યા ત્યારે ટેમ્પામાં દોઢ લાખ રૂપિયા ભરેલો થેલો રાખેલો હતો. જે કોઈ શખ્સ કાચ તોડીને લઇને ભાગી જતા ફરિયાદ નોંધી સીસીટીવી કેમેંરાની તપાસ કરવામાં આવી છે પણ ફૂટેજ અસ્પષ્ટ દેખાયા છે.

બનાવ જોતા કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા પણ વ્યકત કરવામાં આવી છે હાલ બી ડિવિઝન પોલીસ વિવિધ મુદાઓ પર તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજની ચકચારી 27 લાખની નોકર ચોરીમાં હજુ પણ મોટા ભાગનો મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે, ત્યારે વધુ એક ચોરીના બનાવે પોલીસને દોડતી કરી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...