ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે જ ભુજમાં વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં પુરવઠો બંધ પડી ગયો હતો. ગેટકોના 66 કેવી સબસ્ટેશનમાં ક્ષતિ સર્જાતાં સમગ્ર શહેરમાં અંધારપટ છવાઇ ગયો હતો. જો કે, 35 મિનિટમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઇ ગયો હતો પણ પરોઢિયે વાચન કરીને કસોટીની તૈયારી કરતા છાત્રોનો અડધો કલાકથી વધુ સમય વેડફાતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો. ઉપરાંત, શાળાએ જવા માટે વહેલા જાગી જતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ વીજ વિક્ષેપથી હેરાન થયા હતા.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) દ્વારા શહેરને 66 કિલોવોટના એ, બી, સી અને ડી એમ ચાર સબ સ્ટેશન દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે જેના વિતરણની જવાબદારી પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ)ના શીરે છે. ગુરૂવારે સવારે સાડા પાંચ વાગ્યે કલાકે આ પૈકીના ‘એ’ સબ સ્ટેશનમાં ક્ષતિ સર્જાતાં જ વીજ પુરવઠો બંધ પડી ગયો હતો. પાવર કટ થતાં જે તે વિષયનું અથવા આગામી દિવસોમાં યોજાનારી પરીક્ષા માટે વાચન કે તૈયારીઓ કરી રહેલા બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષાના વિદ્યાર્થીઓ હવે લાઇટ ક્યારે આવશે તેવા સવાલ સાથે મુંઝવણમાં મુકાયા હતા.
કારકિર્દીના મહત્ત્વના વર્ષોની પરીક્ષામાં દરેક મિનિટની અગત્યની હોય છે ત્યારે અડધા કલાકથી વધુ સમય ગુમાવ્યો હતો. પરીક્ષાના આરંભ વેળાએ વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવે છે તેના કરતાં પરીક્ષાઓ દરમિયાન કોઇ માળખાકિય સુવિધાઓ ખોરવાય નહીં તે જોવાની સૂચના દરેક વિભાગોને આપવી જોઇએ તેમ જાગૃત વાલીઓએ જણાવ્યું હતું.
એક સ્ટેશનને રીપેર કરવા અન્ય ત્રણ સ્ટેશન બંધ કરવા પડ્યા
‘એ’ સબસ્ટેશનમાં ફોલ્ટ થયો હતો જેને રિપેર કરવા સુરક્ષાના કારણોસર અન્ય 3 સબ સ્ટેશનને બંધ રાખવાની ફરજ પડી હતી. આમ 20 મિનિટ માટે સમગ્ર શહેરનો વીજ પુરવઠો બંધ પડ્યો હતો. જેને 35 મિનિટમાં તબક્કાવાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. > નિલમબેન કોઠારી, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર - ગેટકો
ધોરણ 10 અને 12માં 4200 જેટલા વિદ્યાર્થીની ગુરૂવારે પરીક્ષા હતી
શિક્ષણ વિભાગમાંથી મળેલા આંકડા અનુસાર શહેરમાં ધોરણ 10ના 470 વિદ્યાર્થીનું ગણિતનું પેપર હતું જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયમાં 1955 અને ઇતિહાસમાં 812 છાત્રો તો વિજ્ઞાન પ્રવાહમાં રસાયણશાસ્ત્રના 967 વિદ્યાર્થીની ગુરૂવારે પરીક્ષા હતી. આમ 4204 પરીક્ષાર્થીઓનો વીજ વિક્ષેપના કારણે કિંમતી સમય વેડફાયો હતો.
હિલ ગાર્ડન, ITI, વાણિયાવાડ, હોસ્પિટલ રોડ સહિત તમામ ફીડર બંધ
ભુજ શહેર પેટા વિભાગ-1 વીજ કચેરી તળે સરદાર, હિલ ગાર્ડન, પોલિટેક્નિક, આઇટીઆઇ, લાલન, સરપટ, ટાઉન, છઠ્ઠીબારી, વાણિયાવાડ, સર્કિટ હાઉસ (તમામ અર્બન) તેમજ જીકે, એમઇએસ, પી એન્ડ ટી (ત્રણે હાઇ ટેન્શન એક્સપ્રેસ) મળીને 13 ફીડર જ્યારે પેટા વિભાગ-2માં ભીડ, હોસ્પિટલ રોડ, કેમ્પ, ભુજીયો, સુરલભીટ્ટ, રેલવે, એરપોર્ટ, એરફિલ્ડ, સેવન સ્કાય અને સંજોગનગર એમ 10 સાથે કુલ્લ 23 વીજ ફીડર મારફતે શહેરમાં 65 હજાર જેટલા ગ્રાહકને વીજ વિતરણ કરાય છે. આ તમામ ફીડર વહેલી સવારે બંધ પડી ગયા હતા. જેને કારણે આખા શહેરમાં સવાર પડતા પહેલા જ અંધકાર છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.