મિરજાપર રોડ પર સુખપર ફાટક પાસે જૂની અદાવતે બે જૂથ વચ્ચે હિંસક મારામારી થઈ હતી.જેમાં પાંચ યુવાનોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘાયલ પૈકી એક યુવકને બ્રેઈન હેમરેજ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ કરવામાં આવી છે.
સુખપરના ચતુરસિંહ નવઘણજી જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું કે, દોઢ માસ અગાઉ પોલીસે મિરઝાપરમાં રેલવે ફાટક પાસે રહેતાં જયદીપ વિજયભાઈ ચુડાસમાને ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસને પોતે બાતમી આપી હોવાની શંકાના આધારે જયદીપે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. ગત રાત્રે સમાધાન અર્થે ફરિયાદી તેના મિત્ર મહેન્દ્રસિંહ ઊર્ફે લાલો જખુભા સોઢાને સાથે લઈ સતીમા હોટેલ પર આવ્યો ત્યારે આરોપી જયદીપ, તેના ભાઈ સન્ની, રાજેશ પવાર, રામ ગોસ્વામીએ મારામારી કરી માથામાં ધોકાથી હુમલો કર્યો હતો.
બનાવ સમયે જયદીપના પિતા વિજ્ય ચુડાસમા અને દિલીપ ગોસ્વામીએ આવીને પણ માર માર્યો હતો. મારામારી દરમ્યાન ફરિયાદીના મિત્ર સતુભા જાડેજા અને મયંક જંગમ વચ્ચે પડતાં જયદીપે કુહાડીથી સતુભાને બે ઘા માર્યાં હતા જ્યારે સન્નીએ મયંકને માથામાં ધોકો માર્યો હતો. જેથી ઘવાયેલા સતુભા,ચતુરસિંહ,મયંકને ટાંકા સહિતની ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મહેન્દ્રસિંહને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થતા ભુજની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.બનાવ અંગે ચતુરસિંહે છ લોકો સામે હત્યાના પ્રયાસ, રાયોટીંગ, મહાવ્યથા વગેરે કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.
પ્રતિફરિયાદ : ચાની હોટલનું શટર બંધ કરી સોડાની બોટલ માથામાં મરાઈ
દરમ્યાન આ કેસમાં સામાપક્ષે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં રાજેશ શ્યામ પવારે આરોપી ચતુરસિંહ, મહિપતસિંહ જખુભા સોઢા, મયંક, સતુભા ગણેશજી જાડેજા અને એક અજાણ્યા શખ્સ મળી પાંચ લોકો સામે મારામારીની પ્રતિ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં રાજેશે જણાવ્યું કે સતુભા અને જયદીપ વચ્ચેના સંબંધ મામલે આરોપીઓએ ગત રાત્રે ચાની હોટેલ ૫૨ આવી, અંદરથી શટર બંધ કરીને જયદીપ, રામ ગોસ્વામી અને ફરિયાદીને માર માર્યો હતો.એક જણે માથામાં સોડાની બાટલી ફટકારતાં તે મારથી બચવા શટર ખોલીને બહાર નીકળ્યો હતો.
તે સમયે બહાર હાજર સતુભા અને તેની સાથેના અજાણ્યા સાગરીતે ગડદા-પાટુનો માર મારી જયદીપને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલાં રાજેશને માથામાં ચારથી પાંચ ટાંકા આવ્યાં હતા જ્યારે અન્ય લોકોને મુઢ ઈજા થઈ હતી.જેથી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.