અધિકારીઓએ મુલાકાત લીધી:બન્નીમાં ઘાસ, પાણીની તંગી વચ્ચે તંત્ર હરકતમાં, બુધવારે કલેક્ટર સહિતના અધિકારીઓ બન્નીમાં દોડી ગયા હતા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરહદી ગામોમાં પાણી, શિક્ષણ, આરોગ્યની ખુટતી કડીઓ મુદ્દે સરપંચ સહિતના અગ્રણીઓ સાથે કલેકટરે કરી ચર્ચા

સરહદી બન્ની વિસ્તાર સહિત જિલ્લામાં પાણી, ઘાસચારાની બુમરાડ ઉઠી છે ત્યારે બુધવારે કલેક્ટર સહિતના અધિકારીઓ બન્નીમાં દોડી ગયા હતા અને ખાસ કરીને ઘાસચારા, પાણીની સમસ્યાના નિવારણ સાથે વિવિધ પ્રશ્ને સરહદી ગામોના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી. કચ્છમાં અપૂરતા અને પાછોતરા વરસાદના પગલે સીમ વિસ્તારમાં ઘાસનું તણખલું મળવું મુશ્કેલ છે અને તળાવો, ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે.

ઘાસચારા અને પાણીની તંગી વચ્ચે બન્ની વિસ્તારમાંથી માલધારીઓ પોતાના મહામૂલા પશુધનને બચાવવા માટે પરિવાર સાથે હિજરત કરી રહ્યા છે. બન્નીના ઘાસિયા પ્લોટનું સંગ્રહિત ઘાસ વન તંત્રના ગોદામોમાં પડ્યું છે પરંતુ તેનું વિતરણ કરાતું નથી, જેથી માલધારીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓએ પણ કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરી જો ગોદામોમાં પડેલું ઘાસ રાહતદરે નહીં અપાય તો લોકો ગોદામોના તાળા તોડી નાખશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

પીવાનું અપૂરતું પાણી, જો કયાંક પાણીની ચોરી થતી હોવાની રાવ ઉઠી હતી. પાણી અને ઘાસચારાની તંગી નિવારવા માટે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. બન્નીમાં પાણી, ઘાસચારાની અછત વચ્ચે કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે., પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ગ્રામ્ય મામલતદાર વિવેક એચ. બારહટ વગેરે બુધવારના બન્નીના સરહદી ગામોમાં દોડી ગયા હતા.

ભુજ તાલુકાના ખાવડા સહિત આસપાસના બન્નીના ગામોના સરપંચ, તલાટીઓ સાથે બેઠક કરી ઘાસચારા, પાણીની સમસ્યા નિવારવા માટે વન તંત્રના ગોદામોમાં ઘાસનો જથ્થો કેટલો છે તેનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે વરસાદી પાણી રણમાં વહી ન જાય અને તેના સંગ્રહ માટે તળાવો બનાવવા તેમજ પીવાના પાણીની લાઇનના ચાલતા કામો વગેરે પર વિચાર-વિમર્શ કરાયો હતો.

સરહદી ગામોમાં ખુટતી કડીઓની પૂર્તતા સાથે જીવન જરૂરી આરોગ્ય, શિક્ષણ વગેરેની સુવિધા વિકસાવવા અંગે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરાઇ હતી. વધુમાં બન્નીમાં રણોત્સવ અને કંપનીઓ આવ્યા બાદ રોજગારી વગેરેમાં ફરક પડ્યો છે કે કેમ અને હજુ કંપનીઓ લઇ આવી શકાય કે કેમ તે અંગે પણ લોકો સાથે ચર્ચા કરાઇ હતી. ઉપરાંત સીમા સુરક્ષા દળની બોર્ડર આઉટ પોસ્ટની પણ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

પાણી પુરવઠાના આસિસ્ટન્ટ એન્જિનિયરને ભુજની કચેરીએ નહીં ફિલ્ડમાં રહેવા તાકીદ
પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, બન્નીમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓને દર અઠવાડિયે રિવ્યૂ બેઠક કરવા, લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સતત બન્નીની મુલાકાત લે અને આસિસ્ટન્ટ એન્જિનિયરો ભુજની કચેરીએ ન બેસે અને દરરોજ ફિલ્ડમાં રહી પાણીનો પ્રશ્ન હલ કરે તેવી સુચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...