ખાસ કરીને ગુજરાતીઓ શાકાહારી ખોરાક આરોગતા હોય છે. કચ્છથી વિદેશ જતાં હરિભકતો અને અન્ય પ્રવાસીઓ માટે એરલાઇન્સમાં માંસાહાર અને શાકાહાર ભોજનની વ્યવસ્થા હોય છે પણ સામાન્ય રીતે સત્સંગીઓ અને વડીલો વિદેશ જતાં હોય છે ત્યારે ઘરેથી રોટલી કે થેપલા બનાવી લઈ જતાં હોય છે રોટલી કે થેપલા સાથે શાકની જગ્યાએ શું ખાવું? એ એક કોયડો બની રહે છે, એ સંજોગોમાં વર્ષો પહેલાં કચ્છીઓ વિદેશ જતાં ત્યારે સ્વામિનારાયણ મંદિરમાંથી આથેલા મરચા અને ગેસીયા લાડુ સાથે પ્લેનમાં પોતાનું ભોજન કરવા લઈ જતાં અને આજે પણ એજ પ્રથા અવિરતપણે ચાલુ છે.
વર્ષોથી ચાલતી પ્રથાને ભુજ સ્વામિનારાયણ મંદિરે કાયમ રાખી દર વર્ષે 230 મણ એટલે 9200 કિલોથી પણ વધારે મરચા, 4000 કિલો લીંબુ અને લીંબુવાળા પાણી સાથે આથવામાં આવે છે. આ કાર્યમાં 250 સત્સંગી તેમજ સાંખ્યયોગી બાઈઓ ભગવાનના સ્મરણ સાથે આ કાર્ય કરતી હોય છે તેથી હરિભક્તો જણાવે છે કે આ અથેલા મરચાંમાં સત્સંગની મીઠાશનું જાણે કુદરતી મિશ્રણ થયેલું હોય જણાય છે.
વિદેશ જતાં હરિભકતોનું આ સ્પેશિયલ મેનુ કહી શકાય, જ્યારે વિદેશ જતાં હરિભકતો મંદિરમાં બિરાજમાન દેવોના દર્શન કરી, વડીલ સંતોના આશિર્વાદ લઈ, મંદિરના કોઠારમાંથી પ્રસાદી સ્વરૂપે મગજના લાડુ તેમજ આ આથેલા મરચાંની થેલીઓ મેળવે છે. આ આથેલા મરચાની વિશિષ્ટતા એ છે કે મરચા કાંચની બરણીમાં રાખેલા હોય તો બે-પાંચ વર્ષ સુધી વગર બગડે એ જ સ્વાદ જાળવી રાખે છે તેવું મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી તથા રસોડા ભંડારી કોઠારી સ્વામી દિવ્ય સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.