આજના સમયમાં લેટેસ્ટ ગીત કે ટ્યુન પર એક નાનકડી રીલ બનાવી અને સોશિયલ પ્લેટફોર્મ પર મુકવાનો ટ્રેન્ડ છે. આ ફેશનને કારણે એક નવો વ્યવસાય ખુલ્યો છે અને સાથે સાથે ક્યાંક કડવા અનુભવ થતા ગ્રાહકોમાં નારાજગી પણ ફેલાઈ છે. કચ્છના શ્રીમંત પરિવારો તેમના સંતાનોના પ્રસંગ નિમિત્તે પ્રિવેડ શૂટ દેશ કે વિદેશમાં કરાવે છે તો દેશના અન્ય શહેરોમાંથી લોકો કચ્છ આવે છે. આજકાલ લગ્ન પ્રસંગ કરતા પણ વધુ મહત્વ છે સોશિયલ પ્લેટફોર્મ પર ઇવેન્ટ પ્રેઝન્ટેશનનું. મધ્યમથી શ્રીમંત વર્ગ સુધીના પરિવારોના લગ્ન પ્રસંગે પ્રિવેડ શૂટ કરાવવું હવે ફરજિયાત થઈ ગયું છે, ત્યારે આ વ્યવસાયની સફેદ અને કાળી બંને બાજુ છે.
ડ્રોન ન ઉડાડવાના માત્ર દર મહિને જાહેરનામા
સરહદી જિલ્લો કચ્છમાં સુરક્ષાની દ્રષ્ટિએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે અને જો ઉડાડવો પડે એમ હોય તો પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી જરૂરી છે. જો કે, સરકારી ફંક્શન થી કરીને ખાનગી કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં પણ બિન્દાસ ડ્રોન થી શૂટિંગ થાય છે. એટલું જ નહીં ધોરડો સફેદ રણ કે રોડ ટુ હેવન પ્રતિબંધિત વિસ્તારમાં પણ ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવે છે. તંત્ર દ્વારા દર મહિને જાહેરનામું ચોક્કસ બહાર પાડવામાં આવે છે.
માત્ર ખારી નદીની કોતર અને જદુરા સીમ જ નિઃશુલ્ક, બાકી તગડો ચાર્જ ચૂકવવો પડે છે
પ્રાગ મહેલ, વિજય વિલાસ, ધોરડો સફેદ રણ, માંડવી બીચ, સ્મૃતિવન, ખારી નદીની કોતર, જદુરા સીમ, રામકુંડ વગેરે પ્રિવેડ શૂટ માટે પસંદગીના સ્પોટ છે. પરંતુ મોટા ભાગની ખાનગી મિલકતના માલિક તગડો ચાર્જ વસૂલે છે. જેમ કે, વિજય વિલાસમાં પ્રવેશ સાથે જ કલાકના રુ.પાંચ હજાર ચાર્જ શરૂ થઈ જાય છે. જ્યારે વાસ્તવમાં સેટ અપ કરવામાં જ કલાક નીકળી જાય. આમ ત્રણ ચાર કલાક નીકળી જાય તો પંદરથી વીસ હજાર ચૂકવવા પડે. સ્મૃતિવનમાં કલાકના એક હજાર છે. ગેટથી સનસેટ પોઇન્ટ સુધી પગે ચાલીને જવામાં જ એક કલાક લાગી જાય.
છતરડીમાં શૂટ માટે 1500થી 2 હજાર પડાવ્યાની ફરિયાદ
રાજ પરિવારના સદગતોની જ્યાં સ્મૃતિ સચવાયેલી છે તેવા છતરડી કેન્દ્રીય પુરાતત્વ વિભાગની માલિકીની હોતા આ ખાતાના કોઈ હંગામી કર્મચારી રાખ રખાવ માટે ફરજ પર હોય છે. ગત અઠવાડિયે રાજકોટના કોઈ પરિવાર તેના કેમેરામેન સાથે આ કલાત્મક સ્થાપત્ય પાસે પ્રિવેડ શૂટ માટે આવ્યા તો તેમને બે હજાર આપવા કહ્યું. પાર્ટીએ પહોંચ માંગી ત્યારે ખબર પડી કે, આ રકમ તો લાંચ પેટે આપવાની હતી. સ્થાનિક રહેવાસી વચ્ચે પડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા રહી ગયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.