પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માની ધરપકડ:હવે ચુડવાની જમીનનું 18 વર્ષ જૂનું પ્રકરણ ખુલ્યું

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલિન નિવાસી ના. કલેકટર, ભુજના નગરનિયોજકે લાગુની જમીનને ટેક્નિકલ દબાણ ગણી, આકારણી ઓછી દર્શાવ્યાનો આરોપ
  • હાલના કલેક્ટરની સૂચનાથી ગાંધીધામના મામલતદારે નોંધાવી ફોજદારી : 3 દિવસના રિમાન્ડ પર

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા વધુ એક વખત જમીન કૌભાંડના મામલામાં ફસાયા છે, ગાંધીધામ તાલુકાના ચુડવા ગામે આવેલી જમીનમાં ટેક્નિકલ દબાણ નિયમિત કરવા અને જમીનનું નીચું ભાવ મૂલ્યાંકન કરવા માટે કલેક્ટરની સતાનો દૂરુઉપયોગ કરી સરકાર સાથે છેતરપિંડી આચરતા ગુનાની ભુજ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અનુસંધાને ગાંધીનગરથી પૂછપરછ માટે પૂર્વ સનદી અધિકારીને ભુજ લઈ આવી રવિવારે કોર્ટ સમક્ષ 7 દિવસના રીમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગાંધીધામના મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ ભુજ સીઆઇડી ક્રાઈમમાં પ્રદીપ શર્મા તેમજ તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અને તત્કાલીન નગર નિયોજક સામે ઈપીકો કલમ 409,120-બી અને 114 હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે,આરોપીઓએ ચુડવા ગામે નેશનલ હાઈવેને અડીને આવેલી સર્વે નંબર 30/2ની 1 એકર 8 ગુંઠા જમીન પર સરકારી નિયમ મુજબ દબાણ ના હોવા છતાં તેને ટેકનિકલ દબાણ ગણી, લાગુની જમીનના ધારક કીર્તિભાઈ ચંદુલાલ ઠક્કરે કરેલી અરજીના આધારે સરકારી પરિપત્રોનું ઉલ્લંઘન કરી બજાર ભાવ કરતાં જમીનના દરનું નીચું મૂલ્યાંકન કરી દબાણ નિયમિત કરી આપીને તે જમીન ફાળવણી કરી સરકારને આર્થિક નુકશાન પહોચાડ્યું હતું.અરજદાર કીર્તિ ઠક્કરે 1998માં ચુડવાની સર્વે નંબ૨ 30/2ની 2 એકર 16 ગુંઠા જમીન ખરીદી હતી.

DILRની માપણી શીટ મુજબ લાગુની 1 એકર 8 ગુંઠા દબાણવાળી જમીન નિયમિત કરી આપવા 8-11-2004ના ગાંધીધામ મામલતદાર સમક્ષ અરજી કરાઈ હતી. મામલતદારે જમીનની કિંમત પ્રતિ એકરે 98,837,જંત્રી મુજબ 33,376 અને પંચકામ મુજબ પ્રતિ એકર 1 લાખ રૂપિયા કિંમત અંદાજી પ્રકરણ અંજાર નાયબ કલેક્ટરને મોકલી આપ્યું હતું.

અંજાર પ્રાંતે જમીનનું લોકેશન, વિકસીત વિસ્તાર વગેરે બાબતો ધ્યાને લઈ જમીનની કિંમત પ્રતિ એકર 4 લાખ અંદાજી, તે કિંમતની અઢી ગણી કિંમત વસૂલી દબાણ નિયમિત કરી આપવાના અભિપ્રાય સાથે કલેક્ટરને પત્ર મોકલ્યો હતો.જોકે,તત્કાલિન નાયબ નિવાસી કલેક્ટરે જમીન દબાણ નિયમિત કરી આપવા જમીનની કિંમત નક્કી કરવા તત્કાલિન નગર નિયોજકને ફાઈલ મોકલી હતી જેણે જમીનની કિંમત પ્રતિ ચોરસ 19 રૂપિયા અંદાજી હતી.

ત્યારબાદ 3-5-2005ના તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્માના અધ્યક્ષસ્થાને મળેલી જમીન મૂલ્યાંકન સમિતિની બેઠકમાં ટાઉન પ્લાનરે નિયત કરેલા 19 રૂપિયાના દર મુજબ 1 એક૨ 8 ગુંઠા (6880 ચોરસ મીટર) જમીનનો દર 1,30,700 ગણી તેની અઢી ગણી શિક્ષાત્મક કિંમત 3 લાખ 6800 નક્કી કરી આ દબાણ નિયમિત કરી આપવા હુકમ કરાયો હતો.જે કેસમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદની તપાસ બાદ 18 વર્ષે ગુનો દાખલ થયો અને હવે ધરપકડ થઈ છે.

જમીન ટેકનિકલ દબાણની વ્યાખ્યામાં ન હોવા છતાં દબાણ ગણી પરિપત્રનું ઉલ્લંઘન કરાયું
આ જમીનનો જૂનો સર્વે નંબર 81 હતો જેનું ક્ષેત્રફળ 04-04 હતું. કચ્છમાં 1965થી 1975 દરમિયાન થયેલા રીસર્વેના આધારે નવો સર્વે નંબર 30/2 ક્ષેત્રફળ 2-16 કાયમ થયું હતું. જે પ્રમોલગેશનની નોંધ નંબર 14 વર્ષ 1970થી કરવામાં આવી એટલે કે આ જમીનના મૂળ ખાતેદારના ખાતા સર્વે નંબર 30/2 ક્ષેત્રફળ 2-16 વાળી જ જમીન હતી. જે કીર્તિ ઠક્કરે 1998માં ખરીદી હતી. આમ, જમીન ટેકનિકલ દબાણની વ્યાખ્યામાં ના આવતી હોવા છતાં સરકારી ઠરાવ અંતર્ગત ટેકનિકલ દબાણ ગણી, પરિપત્રનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી હતી.

અન્ય સમાચારો પણ છે...