લોકશાહી મહાપર્વ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તા.1-12ના મતદાન થવાનું છે ત્યારે નામાંકનપત્રો ભરવાના નિયમોની ગતાગમ નથી તેવા ઉમેદવારોને પણ ધારાસભ્ય બનવું છે અને મંગળવારે ફોર્મ ચકાસણી દરમ્યાન અાવા ઉમેદવારો ઉપરાંત ડમી દાવેદારો સહિત 20થી વધુ ફોર્મ રદ થયા હતા.
ગ્રામીણ સંસદ ગ્રામપંચાયતથી લઇને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ વિધાનસભા કે, લોકસભાની ચૂંટણી વખતે સાૈ કોઇને ચૂંટણી લડવાના અભરખા જાગતા હોય છે અને ફોર્મ ભરવાના નિયત નિયમોની ગતાગમ ન હોવા છતાં પણ ઉમેદવારો નામાંકનપત્રો ભરી નાખતા હોય છે, અાવું જ કાંઇક વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સામે અાવ્યું છે અને ફોર્મ ભરવાની અાખરી તારીખ સુધીમાં જિલ્લાની 6 બેઠકો પર 92 ઉમેદવારોઅે નામાંકનપત્રો ભર્યા હતા.
તા.15-11, મંગળવારના ફોર્મની ચકાસણી દરમ્યાન ભાજપ, કોંગ્રેસ સહિત, અાપ સહિતના પક્ષોના મુખ્ય ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતાં અને ડમી ઉમેદવારોના નામાંકન વખતે નિયમ મુજબ 10 ટેકેદારો દ્વારા દરખાસ્ત ન કરાતાં અાપોઅાપ અાવા ફોર્મ રદ થયા હતા જ પરંતુ જે ઉમેદવારોઅે નિયત નિયમો મુજબ ફોર્મ ન ભર્યું હોય કે, સોગંદનામું રજૂ ન કર્યું હોય કે, સોગંદનામામાં અધુરાશ હોય કે, નિયત સમયમાં સોગંદનામું રજૂ ન કરનારા ઉમેદવારોના ફોર્મ તંત્ર દ્વારા રદ કરાયા છે. મંગળવારે ફોર્મ ચકાસણી દરમ્યાન ડમી સહિત અબડાસા મત વિસ્તારમાં 5, માંડવીમાં 3, ભુજ 4, અંજાર 3, ગાંધીધામ 3, રાપર 4 સહિત 20 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.
હવે રહ્યા 72 મુરતિયા, જેમાં 35 અપક્ષ ઉમેદવાર
મંગળવારે ફોર્મની ચકાસણીના અંતે ડમી ઉમેદવાર તેમજ અધુરાશ વાળા ફોર્મ રદ કરાતાં હવે જિલ્લાની 6 બેઠકો પર અપક્ષ 35 સહિત 72 મુરતિયા ચૂંટણી જંગના મેદાને છે. સાૈથી વધુ ભુજ અને માંડવી બેઠક પર 14-14, રાપર 13, અબડાસા 12, ગાંધીધામ 10 અને અંજારમાં 9 ઉમેદવારોનો સમાવેશ થાય છે. કુલ 72માંથી વિધાનસભાવાર અપક્ષ ઉમેદવારોની વાત કરીઅે તો રાપર બેઠક પર 9, માંડવી અને ભુજ બેઠક પર 7-7, અબડાસા 6 અને ગાંધીધામ, અંજાર બેઠક પર 3-3 ઉમેદવારો છે.
ધારાસભ્ય બનવા વયમર્યાદા 25 ને 23મા વર્ષે ભર્યું ફોર્મ
સત્તાવાર મળતી માહિતી મુજબ ભારતીય બંધારણમાં કરવામાં અાવેલી જોગવાઇ મુજબ ધારાસભ્ય બનવા માટે વયમર્યાદા 25 નક્કી કરવામાં અાવી છે પરંતુ નવાઇની વાત અે છે કે, અંજાર મત ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ રમણીકલાલ પલણે ઉંમર અોછી થતી હોવા છતાં ઉમેદવારીપત્ર ભર્યું હતું, તેમની ઉંમર 23 વર્ષની જ થતી હોઇ ફોર્મ બંધારણની જોગવાઇ મુજબ ન હોઇ રદ કરાયું હતું.
10 ટેકેદારો ન હોઇ ફોર્મ થયા રદ
નિયમ મુજબ જે ઉમેદવાર ચૂંટણીમાં દાવેદારી નોંધાવે તેમની દરખાસ્ત 10 ટેકેદારો દ્વારા થવી જોઇઅે. ડમી ઉમેદવારોના 10 ટેકેદારો ન હોય તે સ્વાભાવિક છે અને અાવા ઉમેદવારોના ફોર્મ અાપોઅાપ રદ થાય છે પરંતુ ભુજ વિધાનસભા બેઠક પર અોલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના કાૈશલ્યાબેન અમૃતભાઇ ઉપેરિયા અને અપક્ષ ઉમેદવાર વૈશાલી ઇશ્વરગર ગોસ્વામીના નામની દરખાસ્ત કરનારા 10 ટેકેદારો ન હોઇ તેમના ફોર્મ રદ થયા હતા.
અબડાસા બેઠક પર નોટરી વિના જ સોગંદનામું રજૂ
અબડાસા વિધાનસભા બેઠક પર અખિલ ભારતીય રાજ્ય સભા પક્ષમાંથી શાંતિલાલ મુળજીભાઇ સેંઘાણીઅે દાવેદારી નોંધાવી હતી, જો કે, તેઅોઅે નોટરી વિનાનું અેટલે કે, નોટરીના સહી-સિક્કા વિનાનું સોગંદનામું રજૂ કર્યું હતું, જેથી તેમનું ફોર્મ રદ થયું હતું. તો વળી અા જ બેઠકના અપક્ષ ઉમેદવાર નિજામુદ્દીન અલીઅકબરછા પીરઅે નિયત નમૂનામાં સોગંદનામું રજૂ ન કરતાં તેમનું નામાકનપત્ર પણ રદ કરાયું હતું.
પક્ષે મેન્ડેટ અાપ્યું ન હોવા છતાં ફોર્મ ભરી નાખ્યું
સત્તાવાર મળતી વિગત મુજબ નિયત કરાયેલા નિયમો પ્રમાણે જયારે કોઇ ઉમેદવાર માન્ય પક્ષમાંથી ઉમેદવારીપત્ર ભરતો હોય તો તેની પાસે પક્ષનું મેન્ડેટ હોવું અનિવાર્ય છે. રાપર વિધાનસભા બેઠક પર બહુજન સમાજ પાર્ટીમાંથી અાંબાભાઇ મ્યાજર રાઠોડે ઉમેદવારી કરી હતી, જો કે, તેમની પાસે બહુજન સમાજ પાર્ટીનું મેન્ડેટ ન હોઇ તેમનું તે ફોર્મ રદ કરાયું હતું પરંતુ તેમણે અા જ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે પણ દાવેદારી કરી હતી, જે ફોર્મ માન્ય રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.