વેપારીઓને સારા વેપારની આશા:શાળાઓ શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ છતાં સ્ટેશનરીની દુકાનોમાં ઘરાકી નહીં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સ્થિતિ થાળે પડતાં વેપારીઓને આ વખતે સારા વેપારની આશા
  • રાજય પાઠ્ય પુસ્તક મંડળનો ડેપો કચ્છમાં ન હોવાથી વિક્રેતાઓને મુશ્કેલી

ઉનાળુ વેકેશન હવે પૂરુ થવાના આરે છે અને શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં નવા શૈક્ષણિક સત્રને લઇને સ્ટેશનરીની દુકાનોએ જોઇએ તેવી ગ્રાહકોની ભીડ જોવા મળતી નથી તેમ છતાં પણ સ્ટેશનરી, કાપડના દુકાનદારો અને દરજીઓને આ વખતે સારા વેપારની આશા છે. વધુમાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો ડેપો કચ્છમાં ન હોવાના કારણે વિક્રેતાઓને મુશ્કેલી પડી રહી છે.

કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે મોટાપાયે નુકસાની થઇ છે. વધુમાં ઘરબેઠા ઓનલાઇન શિક્ષણ મેળવનારા છાત્રો પણ માનસિક રીતે અસ્વસ્થ બન્યા છે. જો કે, મહામારીની સ્થિતિ થાળે પડ્યા બાદ શાળાઓ શરૂ તો થઇ પરંતુ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને બાદ કરતાં અન્ય ધોરણના છાત્રોને પરીક્ષા વગર પાસ કરી દેવાતાં હોંશિયાર છાત્રોને નુકસાની થઇ છે.

કોરોના સ્થિતિ થાળે પડતાં આ વખતે વેકેશનમાં છાત્રો પોતાના પરિવાર સાથે યાત્રા, પ્રવાસ અને પિકનિક પર નીકળી ગયા છે. વેકેશન હવે પૂર્ણતાના આરે છે અને શાળાઓ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેમ છતાં નોટબુક, બોલપેન, પેન્સિલ, રબર સહિતની શૈક્ષણિક સામગ્રી માટે સ્ટેશનરી, ગણવેશ માટે કાપડની દુકાન, બુટની દુકાન કે, દરજી પાસે જોઇએ તેટલી ભીડ જોવા મળતી નથી. આ વખતે સ્ટેશનરીની વસ્તુઓમાં ભાવ વધારો ઝીંકાયો છે અને વિક્રેતાઓને પણ ગ્રાહકોના દર્શન થયા નથી તેમ છતાં પણ સારા વેપારની આશા છે.

પાઠ્ય પુસ્તકો સરકારી શાળાઓમાં પહોંચ્યા પરંતુ બજારમાં નહીં : વેપારીઓને મોરબીનો ધક્કો
કચ્છની સરકારી શાળાઓમાં પાઠ્ય પુસ્તકો આવી પહોંચ્યા પરંતુ બજારોમાં વિક્રેતાઓ પાાસે હજુ નથી પહોંચ્યા. છેવાડાના કચ્છ જિલ્લાને બાદ કરતાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો ડેપો આવેલો છે. કચ્છમાં આવી કોઇ વ્યવસ્થા ન હોવાથી વેપારીઓને નાછૂટકે મોરબીનો ધક્કો પડે છે. વધુમાં માત્ર સાડા બાર ટકાના કમિશનમાં સ્વખર્ચે કિંમતી સમય બગાડીને પુસ્તકો લેવા જવું પડે છે. અધુરામાં પૂરું અંદરથી ફાટેલા, નબળા છાપકામ વાળા પુસ્તકો નીકળી આવે તો તે બદલી અપાતા નથી, જેથી વેપારીઓને નુકસાની જાય છે.

નોટબુકમાં 25થી 30 ટકાનો તોતિંગ ભાવ વધારો
હાલે નોટબુકના ભાવમાં 25થી 30 ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે. ઉપરાંત અન્ય શૈક્ષણિક વસ્તુઓમાં બોલપેનથી લઇને નાની-મોટી તમામ વસ્તુઓમાં 15થી 20 ટકા ભાવ વધારો થયો છે તેમ છતાં પણ અભ્યાસ માટે તમામ વસ્તુઓ આવશ્યક હોઇ કોરોનાના કપરા બે વર્ષ બાદ આ વખતે સ્ટેશનરીની બજારમાં રોનક આવશે તેવી આશા ભુજના ધંધાર્થીઓએ વ્યક્ત કરી છે. હાલ જિલ્લા મથકે શહેરી કે, ગામઠી ઘરાકી બજારમાં જોવા મળતી નથી, જો કે, બે-ત્રણ દિવસ બાદ ખરીદીનો દોર શરૂ થઇ જશે એમ વાણિયાવાડના સ્ટેશનરીના વિક્રેતા ચંદ્રકાંત મહેતાએ જણાવ્યું હતું.

હવે ખાનગી શાળાઓ પુસ્તકો સહિત આપે છે સ્ટેશનરીની વસ્તુઓ
ભુજની અમુક ખાનગી શાળાઓ અભ્યાસ ફીની સાથે સ્ટેશનરીની વસ્તુઓ માટેની રકમ પણ લઇ લે છે અને આવી શાળાઓ પાઠ્ય પુસ્તકો સહિત સ્ટેશનરીની વસ્તુઓ પણ પોતે જ આપે છે. આવી શાળાઓ અમુક ચોક્કસ જગ્યાએથી જ ખરીદ કરી પોતે છાત્રોને આપતી હોય છે અથવા તો અમુક ચોક્કસ દુકાનેથી ગણવેશના કાપડ કે સ્ટેશનરી માટે આગ્રહ રાખતી હોઇ તેની અવળી અસર બજાર પર પડે છે અને વાલીઓને પણ ભાવતાલ કરવાનો મોકો ન મળતાં વાલીઓને પણ આર્થિક ફટકો પડે છે.

અન્ય સમાચારો પણ છે...