બેઠક:જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં એક પણ ધારાસભ્ય હાજર ન રહ્યા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી આવે છે એટલે પ્રશ્નો ભૂલી ખાતમુહૂર્તમાં પહોંચ્યા

નવનિયુક્ત કલેક્ટરની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી, જેમાં કચ્છના અેક પણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા અને ચૂંટણી અાવે છે અેટલે વધુમાં વધુ કામોનું માત્ર ખાતમુહૂર્ત કરી દેવાની જાણે હોડ જામી હોય તેમ ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો ભૂલી ખાતમુહૂર્ત કરવા પહોંચી જાય છે. ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશિયાએ પાણી, વીજળી વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.

કલેક્ટરે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરે પ્રજાના કામો વિના વિક્ષેપે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપીને સંબંધિત અધિકારીઓને નિયત મર્યાદામાં પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. કલેક્ટરે જિલ્લામાં પ્રર્વતમાન સ્થિતિએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો પણ અધિકારીઓ પાસેથી મેળવીને યોગ્ય સૂચનાઓ આપી હતી. જો કે, નવાઇની વાત અે છે કે, કચ્છ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં એક પણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા.

અાગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને અાચારસંહિતા લાગુ પડી જાય તે પહેલા જાણે ખાતમુહૂર્ત માટે હોડ જામી હોય તેમ ધારાસભ્યો ખાતમુહૂર્ત કરવા પહોંચી જાય છે પરંતુ પ્રજાના પ્રશ્નો ભુલી ગયા છે. અત્રે અે પણ નોંધવું રહ્યું કે, દર વખતે ચૂંટણી ટાંકણે અા રીતે કામોના ખાતમુહૂર્ત કરી દેવાય છે પરંતુ અાવા કામો દોઢ-બે વર્ષ બાદ ચાલુ થતા હોય છે.

​​​​​​​બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, તાલીમી આઈ.એ.એસ. અધિકારી સુનીલ સોલંકી, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત સહિત તમામ પ્રાંત અધિકારીઓ, સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...