ઇતિહાસ:ના.સરોવરનો 288 વર્ષ પુરાણો કિલ્લો આજે પણ અડીખમ

નારાયણસરોવર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇતિહાસ | વિક્રમ સંવત 1755માં નિર્માણ શરૂ કરાયું જે 1790માં સંપન્ન થયું : 5 કોઠા, એક નગરખાનું છે

નયન જોશી
રાજાશાહીના સમયમાં નગરની રક્ષા માટે ચારે બાજુ કિલ્લા બનાવાતા. કચ્છમાં નાના-મોટા ગામોમાં મોટા ભાગના કિલ્લાનું નામો નિશાન નથી તો ક્યાંક માત્ર કિલ્લાની દીવાલ જોવા મળે છે તેવામાં નારાયણસરોવરમાં 288 વર્ષ પુરાણો કિલ્લો આજે પણ અડીખમ અને સુરક્ષિત ઉભો છે.

કચ્છના રાણી માનકુંવરબાએ નારાયણસરોવરમાં વિક્રમ સંવત 1755માં કિલ્લા અને મંદિરોનું ભૂમિ પૂજન કર્યું હતું જેનું નિર્માણ કાર્ય શરૂ થયા બાદ વિક્રમ સંવત 1790માં આટોપાયું હતું. આમ કિલ્લો બનતાં 35 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ગાળામાં ત્રિવિક્રમરાય મંદિર અને સામે અન્ય સાત મંદિરો પણ બનાવાયા, હાલે વિક્રમ સંવત 2078 ચાલુ છે મતલબ આ કિલ્લો 288 વર્ષ પુરાણો હોવા છતાં અડીખમ ઉભો છે. 382 મીટર લાંબા આ કિલ્લાની પહોળાઇ બે મીટર જેટલી હોતાં તેના પર આસાનીથી ફરી શકાય છે.

5 કોઠા અને એક નગરખાનું છે. નગરખાનામાં નગારૂં વગાડીને ઉત્સવ ઉજવાતો અને લોકોને એકઠા કરવા માટે પણ તનો ઉપયોગ થતો તેમ મનાય છે. કિલ્લા પર સૈનિકોને રહેવા માટે રૂમોની વ્યવસ્થા હતી. જાગીર હસ્તક આવતો કિલ્લો અને મંદિરને સુરક્ષિત રાખવા માટે સમયાંતરે મરંમત કામ કરાયું છે જેના માટે બ્રહ્મલીન મધુસુદનલાલજી મહારાજ ત્યાર બાદ બ્રહ્મલીન આનંદલાલજી મહારાજ અને વર્તમાન ગાદિપતિ સોનલલાલજી મહારાજે કાળજી લીધી છે. વર્ષ 2020માં કિલ્લાનો એક ભાગ ધરાશાયી થતાં તાત્કાલિક કલેક્ટર અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું ધ્યાન દોરાયું હતું અને જરૂરી રિનોવેશન સાથે અગાઉ હતો તેવો જ કિલ્લો બનાવાયો હતો. આમ આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે જાગીરની સાથે તંત્ર પણ સહયોગી રહ્યું છે.

સહેલાણીઓ માટે બન્યો સેલ્ફી પોઇન્ટ
દર વર્ષે મોટી સંખ્યામાં નારાયણસરોવરના પ્રવાસે સહેલાણીઓ આવે છે જેઓ કિલ્લા પર ફરવાનો આનંદ તો માણે જ છે તેની સાથે કોઠા પરથી જોવા મળતા અરબ સાગર સહિતના કુદરતી નજારાને કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. કચ્છના એકમાત્ર સુરક્ષિત આ કિલ્લા પર સહેલાણીઓ સેલ્ફી ખેંચતા પણ નજરે ચડે છે. આમ એક પ્રકારે આ સ્થળ સેલ્ફી પોઇન્ટ બન્યું છે.

નગરની સુરક્ષાને પ્રાધાન્ય અપાયું
કિલ્લાની રચના એલ આકારની છે જેના પાછળ નગરની સુરક્ષાને પ્રધાન્ય અપાયું હોવાનું મનાય છે. રાજાશાહીના સમયમાં યુધ્ધના સમયે નગરના દ્વાર બંધ કરી નખાતા જેને દુશ્મનો હાથીને દોડાવીને તોડી પાડતા હતા પણ નારાયણસરોવરનો કિલ્લો એલ આકારનો બનાવાયો હોવાથી વચ્ચે વળાંક આવતાં હાથી જેવા પ્રાણીને દોડાવવાનું મુશ્કેલ બની જતું. આમ નગરની સુરક્ષાને આવી રચના સાથે પ્રાધાન્ય અપાયું હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...