રણ એક, નિયમ બે!:કચ્છના નાના રણમાં અગરીયાઓ માટે સાંજ પછી નો એન્ટ્રી, ઉદ્યોગપતિઓ માટે 24 કલાક છૂટ !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગે ફરમાવેલા પ્રતિબંધના કારણે નાના રણમાં 40 ટકા મીઠું રહી જાવાની સંભાવના
  • સાંતલપુરમાં આવેલા નાના રણમાં છ વાગ્યા સુધી પછી નો એન્ટ્રી : સૂરજબારી, શિકારપુર, માણાબા, આડેસર પાસેના રણમાં ઉદ્યોગપતિઓ નમક પકવતા હોવાથી કોઈ પાબંદી નહિ

રણના કારણે કચ્છ આજે દુનિયાભરમા જાણીતું બન્યું છે,પણ માલતુજારોની સામે તંત્ર ઝૂકી ગયું હોય તેમ કચ્છના નાના રણમાં બે અલગ અલગ નિયમો જોવા મળી રહ્યા છે. જેમાં કચ્છની સમીપે આવેલા સાંતલપુરમાં નાના રણમાં છ વાગ્યા સુધી પછી અગરિયાઓ માટે નો એન્ટ્રીનો નિયમ લાગુ કરી દેવાયો છે જ્યારે જિલ્લામાં સૂરજબારી, શિકારપુર,માણાબા,આડેસર પાસેના રણમાં ઉદ્યોગપતિઓ નમક પકવતા હોવાથી અહીં કોઈ પાબંદી નથી અને 24 કલાક રણ ધમધમે છે.એક જ રણમાં બે નિયમના કારણે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ભારતમાં ફક્ત કચ્છના નાના રણમાં જ ઘૂડખર (જંગલી ગધેડા ) જોવા મળતા હોઇ તેની નિભાવણી માટે નાના રણને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે સાંતલપુર, ટીક્કર, ખારાઘોડા જેવા વિસ્તારમાં અગરિયાઓને વન વિભાગના નિયમ પ્રમાણે મીઠુ પકવવા માટે જમીન લિઝ પર અપાઈ છે ત્યારે આ વર્ષે સાંતલપુરના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે જાણે આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં વન વિભાગ દ્વારા ઘૂડખર અભયારણ્ય રણમાં સાંજે 6 વાગ્યા પછી અવર જવર પર પ્રતિબંધ મૂકીને ચેક પોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે જેનાથી અગરિયાઓ ભારે હાલાકીમાં મુકાઇ ગયા છે.

સાંતલપુરના રણમાંથી 24 કલાક મીઠાનું લોંડિગ ચાલુ રહે તોય વરસાદ સુધી માલ ખેંચવું પડતું પરંતુ આ વર્ષે ગરમી અને વનવિભાગના જટિલ નિયમથી 40 ટકા મીઠું રણમાં રહી જાય તેવી સંભાવના છે જેથી અગરિયાઓને ભારે નુકસાન ભોગવવું પડશે.

ભેદભાવ ભરી નીતિના કારણે ગરીબ 400 થી 500 અગરિયાઓને ભૂખે મરવાનો વારો આવશે
અગરિયાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,વનવિભાગના નિયમો ફક્ત સાંતલપુરના રણમાં મીઠુ પકવતા અગરિયાઓને જ લાગુ પડે છે જ્યારે કચ્છ જિલ્લાના સૂરજબારી, માણાબા, આડેસર રણમાં ગેરકાયદેસર લાખો એકર જમીનમાં ઉધોગપતિઓ કબ્જો કરીને મીઠુ પકવે છે તેમની પર કોઈ નિયમ લાગુ પડતો નથી તે રણમાં ચોવીસ કલાક રાત દિવસ કામ કરી શકે છે ત્યાં જાનવરોને ખલેલ નથી થતી તો સાંતલપુરના રણમાં ગરીબ અગરિયાઓ મીઠુ પકવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યાં વન વિભાગે ચેક પોસ્ટ ઉભી કરીને સાંજે છ વાગ્યા પછી રણમાં નો એન્ટ્રી ના બોર્ડ લગાવી નાખ્યા છે તે અગરિયાઓને 24 કલાક મીઠુ ઉપાડવાની છૂટ આપવી જોઈએ નહિતો 400 થી 500 અગરીયા પરિવારને ભૂખે મરવાનો વારો આવશે.

સૂરજબારીમાં પણ રણ ચેકપોસ્ટ ઉભી થશે, 6 વાગ્યા પછી પેટ્રોલિંગ ચાલુ છે : DFO
આડેસર રેન્જ ઘૂડખર અભયારણ્યના DFO ધવલભાઈ ગઢવીએ ભાસ્કરને જણાવ્યું કે, અભયારણ્ય વિસ્તારમાં સ્ટેપ બાય સ્ટેપ ચેક પોસ્ટો ઉભી કરવામાં આવશે અને ટૂંક સમયમાં સૂરજબારી પાસે પણ રણ ચેકપોસ્ટ ઉભી કરાશે ત્યાં પણ સાંતલપુરની જેમ સાંજે છ વાગ્યા પછી રણમાં નો એન્ટ્રી કરવામાં આવશે અને હાલ સૂરજબારી,માણાબા વિસ્તારમાં અમારી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય છે રાત્રે વાહનો અવર જવર કરશે તો તેને ડીટેઇન કરવામાં આવશે.

રણને વેચાતું બચાવવા સ્થાનિકે તાત્કાલિક સાંજે 6 વાગ્યા પછી વાહનો પર પ્રતિબંધ લગાવો
સ્થાનિક સૂરજબારી ચેરાવાંઢના લોકોનું કહેવું છે કે,અમે માછીમારી કરીને ગુજરાન ચલાવીએ છીએ અને રણમાં એક લાખ એકર કરતા વધારે ભૂમિ પર દબાણ કરીને ઉધોગપતિઓ મીઠુ પકવી રહ્યા છે તેમાં સ્થાનિક લોકોને કોઈ જાતની રોજગારી આપવામાં આવતી નથી.મીઠાના અગરોમાં સો ટકા કામ હિટાચી મશીન અને ટ્રેકટર, ડમ્પરથી કામ થતું હોવાથી માણસોની જરૂર પડતી નથી. જો વન વિભાગને રણ બચાવવું હોય તો સૂરજબારી રેલ્વે ફાટક પાસે પણ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવે તો રણને વેચાતું અટકાવી શકાશે.

રણમાં સીલીકોન ,ઝીંક, સોલ્ટ પ્રોસેસિંગ સહિતની 11 ફેક્ટરી પર GPCBના દરોડા
હળવદ તાલુકામાં કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણમાં ઉધોગની પરવાનગી ન હોવા છતાં કેટલીક ફેકટરી ગેરકાયદે ધમધમતી તેમજ એસિડીક પાણી ઠાલવતા હોવાની ફરીયાદ ઉઠતા ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતી ફેકટરીઓ સામે કાર્યવાહી કરી હતી જેમાં 5 કંપનીને કલોઝર નોટીસ ફટકારી હતી.જયારે 6 કંપની સામે તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ તમામ એકમને ક્લોઝર નોટિસ આપી વીજ કનેકશન કાપવા આદેશ ર્ક્યો હતો.

આ ઉપરાંત રૂ.25 લાખનો દંડ ફટકાર્યો હતો રણમાં કંપનીઓને પરમિશન નથી તો વીજ કનેક્શન કેમ મળ્યું એ પણ સૌથી મોટો પ્રશ્ન છે તેમજ કચ્છનું નાનું રણ કચ્છ,મોરબી અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લામાં ફેલાયેલું છે અને તેમાં ઘુડખર અભયારણ હોવાથી ઔદ્યોગિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે તેમ છતાં ફેકટરીઓ ધમધમે છે છતાં વન વિભાગ કેમ કાર્યવાહી કરતું નથી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...