એનયુએલએમ શાખાએ મૂકેલી ફાઈલ ઉપર ધૂળ ચડી:દબાણો માટે જૂની નોટિસોમાં કાર્યવાહી નહીં ને બીજાને તાકીદ!

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં એનયુએલએમ શાખાએ મૂકેલી ફાઈલ ઉપર ધૂળ ચડી ગઈ
  • મંજૂરીવાળી કેબિન હોવાનો બોગસ દાવો કરનારાને હટાવવાનું ભૂલાયું

ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ ચાર માસથી શહેરમાં રોડ ઉપર અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં કેટલાકે મંજૂરીવાળી રેકડી અને કેબિનનો દાવો કર્યો હતો. જે બોગસ નીકળ્યો છે. જેની ફાઈલ અેન.યુ.અેલ.અેમ.અે મુખ્ય અધિકારી પાસે મૂક્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી અને નવા દબાણકારોને નોટિસો ફટકારવાનું શરૂ કરી દેવાયું છે.

સરકારી તંત્રમાં જે છાપરે ચડે અે ચોર જેવો તાલ હોય છે. તેમાંય નગરપાલિકા દ્વારા દબાણ હટવાની કાર્યવાહી થાય અેમાં નબળા સલવાઈ જાય અને સબળાને ઉલ્ટું બળ મળી જતું હોય છે, જેથી સમગ્ર કાર્યવાહી વ્હાલા દવલાની નીતિને અનુસરનારી બની જતી હોય છે. શહેરમાં હરતી ફરતી લારીને બદલે અેક જ સ્થળે પાકી કેબિનો ખડકી દેનારાને હટાવવાની કાર્યવાહી થઈ ત્યારે દસથી પંદર દબાણકારોઅે મંજૂરીવાળી કેબિનનો દાવો કર્યો હતો, તેમને સાત દિવસમાં અાધાર પુરાવા રજુ કરવા કહેવાયું હતું,

જેમાંથી અાઠથી દસ જણાઅે નોટિસ મળ્યાના પંદરેક દિવસ બાદ અમાન્ય દસ્તાવેજો રજુ કર્યા હતા, જેથી અેન.યુ.અેલ.અેમ. શાખાઅે મુખ્ય અધિકારી પાસે ફાઈલ મૂકી અને તેમને હટાવવાના હુકમ પણ થયા હતા. પરંતુ, અે પ્રકરણમાં ફાઈલ અાગળ વધી નથી, જેથી ધૂળ ચડી ગઈ છે અને બીજી તરફ વીજ કચેરી અને જી.કે. જનરલ હોસ્પિટલ સામે ફૂટપાથ ઉપરથી કેબિનો અને રેકડીઅો ખસેડીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામેના ફૂટપાથ ઉપર લઈ જવા 3 દિવસની નોટિસ અપાઈ છે. જે બાદ સખત કાર્યવાહી કરવામાં અાવશે અેવું પણ કહેવાયું છે. અામ, અેક કાર્યવાહી બાદ બીજી કાર્યવાહી અધૂરી મૂકી દઈ વિસરાવી દેવાની નીતિ અપનાવાઈ રહી છે. જેની ટીકા ટિપ્પણીઅો થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...