પાવરપટ્ટી વિસ્તારનું મુખ્ય મથક નિરોણા ગામ કલા કારીગરી માટે વિશ્વમાં પ્રખ્યાત છે. આ વિસ્તારમાં જૂદી જૂદી પાંચ કલાના કારીગરો રહેતા હોવાથી આ ગામ પંચકલા તીર્થ તરીકે પણ ઓળખાય છે. કારીગરો એક જ સ્થળે વેપાર કરી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા 3 કરોડના ખર્ચે ગ્રામહાટનું નિર્માણ શરૂ કરાયું હતુ. અનેક વિવાદો અને વિઘ્નો બાદ ગત વર્ષે માર્ચ મહિનામાં કામ પૂર્ણ કરાતાં હાટ તૈયાર થઇ ગઇ હતી પણ તેના સંચાલન મુદ્દે ગૂંચ સર્જાતાં છેલ્લા 9 માસથી અલીગઢી તાળા લાગેલા જોવા મળે છે.
ગ્રામહાટ બનતાં પૂરતા પ્રમાણમાં ધંધો મળી રહેશે તેવી આશા કારીગરોમાં જાગી હતી. મોટા ઉપાડે થયેલી જાહેરાતો અને પ્રચાર-પ્રસારના અંતે તેના સંચાલન માટે ગ્રામ પંચાયત અને સરકાર વચ્ચે વિવાદ થતાં હજુ સુધી તેનું લોકાર્પણ થયું નથી. જાણવા મળતી વિગતો મુજબ હાટના સંચાલન માટે લાઇટ બિલ, સિક્યૂરિટી, નિભાવણી સહિત માસિક અંદાજે 50 હજાર જેટલો ખર્ચ થાય તેમ છે. સ્થાનિક ગ્રામ પંચાયત દર મહિને આટલી મોટી રકમ ફાળવી શકે તેમ ન હોતાં સરકાર દ્વારા નાણા ફાળવાય તેવી માગ કરાઇ હતી પણ પ્રત્યુત્તરમાં નનૈયો ભણી દેવાયો હતો.
હાલે કચ્છભરમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. નિરોણામાં પણ સહેલાણીઓ કલાત્મક કૃતિઓ ખરીદવા આવે છે પણ કારીગરો જૂદા જૂદા સ્થળે રહેતા હોઇ પ્રવાસીઓ જે તે સ્થળે પહોંચી શકતા ન હોવાથી વીલે મોઢે પરત ફરે છે. વિકલ્પે જો ગ્રામહાટ ચાલુ થાય તો દરેક કારીગર પોતાની કલાનું અહીં પ્રદર્શન કરી શકે અને કલા રસિકોને એકજ સ્થળે કલા કારીગરી જોવા મળે તેમ છે. આ અંગે સરપંચ નરોતમ આહિરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની આવક મર્યાદિત હોઇ સંચાલન કરવું મુશ્કેલ છે. તંત્ર દ્વારા નાણાકીય સહાય અપાય તો ગૂ઼ંચવાયેલું કોકડું ઉકેલી શકાય તેમ છે. અબડાસા મત વિસ્તારમાં આ ગામ આવતું હોઇ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો સંપર્ક સાધતાં પ્રથમ તેમણે હાટનું કામ પૂર્ણ થયું જ નથી તેમ કહ્યું હતું પણ વાસ્તવિક્તા તેમની સમક્ષ મૂકતાં તેમણે અજાણતા દર્શાવી હતી અને હજુ સુધી આ બાબતે કોઇ રજૂઆત આવી નથી તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના બે વર્ષ સુધી આ પંથકમાં પ્રવાસીઓ ન આવતાં કારીગરોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડ્યો હતો પણ હવે પરિસ્થિતિ સામાન્ય હોતાં ફરી સહેલાણીઓ ગામની મુલાકાતે આવે છે ત્યારે ગ્રામહાટ બનતી ત્વરાએ ખુલી મુકાય તેવી માગ ઉઠી છે. જો આમ ને આમ બંધ હાલતમાં રહેશે તો જાળવણી અને સુરક્ષાના અભાવે નુક્સાન થશે અને સરવાળે સરકારે ખર્ચેલી 3 કરોડ જેટલી માતબર રકમનું આંધણ થશે તેમ કારીગરો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.