કચ્છના હરામીનાળામાં ગુરૂવારે સમગ્ર દિવસ ભારે હલચલ જોવા મળી હતી. બીએસએફની ટીમને બપોરે 3 પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ ભાગી ગયેલા માછીમારોને શોધવા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં સાંજે વધુ છ પાકિસ્તાની બોટ હાથ લાગી હતી. જોકે કોઇ માછીમાર ન મળતા સર્ચ અોપરેશન જારી રખાયું હતું.
ગુરૂવારે બપોરે બીઅેસઅેફની ટુકડી પેટ્રોલિંગમાં હતી. ત્યારે હરામીનાળામાં પાકિસ્તાની બોટો અને કેટલાક માછીમારોની હરકત જોવા મળી હતી. પેટ્રોલિંગ ટુકડી તુરંત સ્થળ પર પહોંચી હતી. જ્યાં હરામીનાળામાંથી ત્રણ પાકિસ્તાની માછીમાર બોટને જપ્ત કરી હતી. પરંતુ બીઅેસઅેફ પેટ્રોલિંગ દળને પોતાની તરફ અાવતા જોઇ પાકિસ્તાની માછીમાર બોટો મુકીને ભાગી ગયા હતાં.
અા માછીમારોની ધરપકડ માટે અા વિસ્તારમાં સર્ચ અોપરેશન હાથ ધરાયું છે. તો બીજીબાજુ જપ્ત કરાયેલી બોટોની ગહન તલાશી લેવાઇ હતી. જેમાંથી મછલીઅો, માછીમારી જાળી સહિતના સાધનો મળી અાવ્યા હતાં. અા સિવાય કોઇ સંદિગ્ધ સામાન મળી અાવ્યો ન હતો. તો બીજી બાજુ સાંજે સર્ચ ઓપરેશનમાં આ વિસ્તારમાંથી વધુ બિનવારસુ હાલતમાં છ બોટો મળી આવી હતી. પરંતુ સ્થળ પરથી કોઇ પાકિસ્તાની માછીમારો હાથ લાગ્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.