ચેરિયાની ઝાડીનો સોથ:ભચાઉ પાસે 47 બેટમાં ચેરિયાના છેદનથી ઝિંગા માછલી, પાણીમાં તરી શકતા ખારાઇ ઊંટની જાતિ લુપ્ત થવાના આરે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ પાસે હાડકિયા ક્રીક વિસ્તારને બાયોડાયર્વસિટી હેરિટેજ સાઇટ જાહેર કરવી હવે અનિવાર્ય
  • કચ્છ ઊંટ ઉછેરક સંઘ, સહજીવન સંસ્થા દ્વારા સરકારમાં ધા નંખાઇ પણ કોઇ અસર નહીં

ભાવિન વોરા

રણ, ભૂમિ અને દરિયાનું વિશિષ્ઠ ભોગોલિક સ્થાન ધરાવતા કચ્છ જિલ્લામાં વનસંપદા અને જૈવ વૈવિધ્યતા પણ અનેરી છે. ભોગોલિકતાના સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર રસ લે અને કચ્છના આવા વિસ્તારોમાં કોઇ ખલેલ હોય તો દૂર કરે અથવા નવી વ્યવસ્થાના ભાગરૂપે સુરક્ષાત્મક જાહેરાતો કરે એ અનિવાર્ય બન્યું છે. ખાસ કરીને ભચાઉ તાલુકાના હાડકિયા ક્રીકથી કંડલા નજીકના દરિયાકિનારા વિસ્તારને બાયોડાયર્વસિટી હેરિટેજ સાઇટ જાહેર કરવી પડશે અન્યથા પાણીમાં તરી શકતા ખારઇ ઊંટ કે ઝિંગાના મેટાપીનીયસ કચ્છેન્સીસ સ્થાનિક જાતિ આગામી દાયકાઓમાં લુપ્ત પામશે.

ભચાઉ પાસે 47 બેટને આવરી લેતા વિસ્તાર માટે બાયો પાર્કની જાહેરાતનો નિર્ણય અનિવાર્ય સમાન છે. દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા પણ આ ક્રીક વિસ્તારમાં મીઠાની લીઝના ન આપવાના નિયમોનું પાલન કરવામાં આવે તે જરુરી હોવાનું પર્યાવરણ સાથે સંકળાયેલાઓનું કહેવું છે. ભચાઉ તાલુકાના જંગી, આમલિયારા, વોંધ, સામખિયાળી, ચેરાવાડી ગામોની વસતિનું સામાજિક આર્થિક સર્વેક્ષણ ભુજની સહજીવન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં એવા તર્ક અને તથ્યો બહાર આવ્યા હતા કે કંડલા- ગાંધીધામ સુધીના દરિયાકિનારાને જોડતા દરિયાના ક્રીક વિસ્તારને કિનારે રહેતા આ લોકો ભૌગોલિક સંવર્ધન કરી રહ્યા છે.

માત્ર પશુપાલનની આજીવિકા ધરાવતા પરિવારો 1276 ઉંટનું પાલન કરે છે. જેમાંથી 643 ખારઇ ઉંટ છે. તેમનો ચરિયાણ વિસ્તાર ક્રિકના ચેરિયાના જંગલો છે. નોંધનિય મુદ્દો એ છે કે, યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાર્યમેન્ટ એન્ડ ફોરેસ્ટ દ્વારા અતિ સંવેદનશીલ નિવાસસ્થાનો તરીકે ઓળખાયેલી જગ્યાઓ કચ્છના અખાતમાં છે અને અહીં કાંપના મેદાનો, સાંકડો દરિયાકિનારો અને નાના મોટા 47થી વધુ બેટ છે. બેટના વિસ્તારમાં ગીચ ચેરિયાના ઝાડો આવેલાં છે અને કુલ 96.98 કિ.મિ વર્ગ વિસ્તારમાં ચેરિયાનો ઘેરાવો છે.

ઝિંગાની માછીમારીથી 660થી વધુ પરિવારો નિર્વાહ ચલાવે
ખારઇ ઊંટ તેનાચરિયાણ ચેરિયા થકી જીવી ગયા છે. તો ઝિંગા માછલીની 27 જાતમાંથી 9 જાત આ વિસ્તારમાં છે અને ઝિંગાના મેટાપીનીયસ કચ્છેન્સીસ સ્થાનિક જાતિ માત્ર હાડકિયા ખાડીમાં જ મોટી સંખ્યામાં જોવા મળે છે. ઝિંગાની માછીમારીથી 660થી વધુ પરિવારો નિર્વાહ ચલાવે છે. તો, માછીમારીની સિઝનમાં અંજાર- ગાંધીધામ તાલુુકાના તુણા, વંડી ઉપરાંત કાજડા, માળિયા, મોરબી, હજીયાસરના 500થી વધુ કુટુંબો પણ આ ખાડીમાં માછીમારી કરવા આવતા હોય છે. ઊંટ અને ઝિંગા ઉપરાંત યાયાવર પંખીઓ સુરખાબ, બગલાઓ, બતકોની વિવિધ જાતો પણ આ ખાડીમાં છે.

ખારઇ ઉંટ અને ઝિંગા માછલીની જાતને લુપ્ત થતી બચાવી શકાય.
ચેરિયાનું નિકંદન અટકાવવા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરેલો છે. સહજીવનના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીના કહેવા મુજબ, હાડકિયા ક્રિક વિસ્તારને બાયોડાયવર્સિટી પાર્ક જાહેર કરવો અનિવાર્ય છે. જો આમ થાય તો મીઠાના અગરોનું અતિક્રમણ બંધ થાય, ચેરના વૃક્ષો કાપી ન શકાય તે સહિતના નિયમો લાગુ પડી જાય અને ખારઇ ઉંટ અને ઝિંગા માછલીની જાતને લુપ્ત થતી બચાવી શકાય. ચેરિયાના વૃક્ષોના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સામે પણ રક્ષણ મેળવી શકાય છે. જે કંડલાના 1998ના વાવાઝોડા વખતે અનુભવાયું હતું અને આ ખાડી વિસ્તારને ઓછું નુકસાન થયું હતું.

ખારાઇ ઊંટ : કચ્છ-ગુજરાતની વિશિષ્ઠ નસલ
ખારાઇ ઊંટ એ કચ્છ - ગુજરાતના ઊંટની વિશિષ્ઠ નસલ છે. જેને ભારતની 9મી અલગ નસલ તરીકે વર્ષ 2009માં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા માન્યતા મળી છે. કચ્છમાં નોંધાયેલા આવા ઊંટની સંખ્યા અંદાજે 1759 છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં પણ ખારાઇ ઊંટ છે પરંતુ તે મિલકતના બદલે ક્યારેક જવાબદારી સમાન લાગે છે. કારણ કે ચેરિયાના વૃક્ષોના નિકંદનથી પશુપાલનને અસર થાય છે. ઊંટોના સંવર્ધન માટે રાષ્ટ્રીયસ્તરે પ્રયાસો થયા છે. રાજસ્થાનના ઇન્ડિયન કેમલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ સાથે લેહના પ્રતાબપુરમાં ઊંટ પ્રજનનકેન્દ્ર પણ સ્થપાયું છે. સંરક્ષણ સંસ્થા ડીઆરડીઓ પણ રીસર્ચ કરે છે તે નોંધનિય છે.

જૈવિક વિવિધતા અધિનિયમની કલમ 37 મુજબ બાયો સાઇટ સૂચિત કરી શકાય
સહજીવન સંસ્થા અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 2018થી તબક્કાવાર જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને કરેલી રજૂઆતોમાં જણાવાયું છે કે, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ જૈવિધ વિવિધતા અધિનિયમ 2002, 2004 અને ગુજરાત જૈવિક વિવિધતા નિયમો 201ની જોગવાઇઓ હેઠળ સંસાધનોના નિયમ સાથે સંકળાયેલું છે. જૈવિક વિવિધતા અધિનિયમની કલમ 37 મુજબ બાયોડાયવર્સિટી સાઇટ સૂચિત કરી શકાય છે. આ ઉપરાંત કલમ 37(3) મુજબ બાયોડાયવર્સિટી જગ્યાની જાહેરાતથી પ્રભાવિત લોકોને વળતર આપવાની યોજના પણ બનાવી શકાય છે.

આ કારણો ખાડી વિસ્તાર માટે જોખમી
1. મીઠાના અગરોના કારખાનાઓના લીધે ચેરિયાના વૃક્ષોનું છેદન ખારઇ ઊંટના નિવસનતંત્ર માટે જોખમી બની રહ્યું છે.
2. મીઠા ઉદ્યોગની લીઝની આડમાં ખાડી વિસ્તારમાં વધતું દબાણ
3. દબાણના લીધે મુખ્ય ખાડીને જોડતી નાની ખાડીઓ બંધ થતાં માછલી ઉત્પાદનમાં ઘટાડો
4. સૂરજબારી તરફની સામાણી ક્રીક, સાયચા ક્રીક, કાતિયા ક્રીક, ભટ્ટી 1 અને 2, મુલ્લા સહિતની કુલ 10 નાની ક્રીક બંધ

અન્ય સમાચારો પણ છે...