ભુજ એરપોર્ટની સતત અવગણના ચાલુ છે. દેશમાં લોકપ્રિય બનેલી ઉડાન યોજના હેઠળ ભુજને એક પણ ફ્લાઇટ આપવામાં આવી નથી. ચોંકાવનારી વાત એ છે કે ભુજ એરપોર્ટને કૃષિ ઉડાન યોજનામાં એક વર્ષ પહેલા સ્થાન આપવામાં આવ્યું હતું. દેશના અનેક એરપોર્ટ પર ખેડૂતોના પાકની હવાઇ નિકાસ શરૂ થઇ ગઇ છે.
જોકે ભુજ એરપોર્ટ પર હજુ આ દિશામાં કોઇ પગલા ભરવામાં આવ્યા નથી.આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં કંડલા અને મુન્દ્રામાં પ્રવાસી ઉડાન યોજના હેઠળ ફ્લાઇટ શરૂ કરાઇ હતી. મુન્દ્રાથી અમદાવાદ અને કંડલાથી મુંબઇની સેવા શરૂ કરાઇ હતી.
ઉડાન યોજના હેઠળ અહીં એક પણ ફ્લાઇટ શરૂ કરાઇ ન હતી
મુન્દ્રાની સેવાનું બાળ મરણ થયુ હતું. તો કંડલા-મુંબઇની ફ્લાઇને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યા છતાં પાછલા બારણેથી આ સેવાને ઉડાનમાંથી બાકાત કરી દેવાઇ છે. તો ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સતત માંગ અને પુરતુ ટ્રાફિક હોવા છતાં ઉડાન યોજના હેઠળ અહીં એક પણ ફ્લાઇટ શરૂ કરાઇ ન હતી.
ભુજની અવગણના સામાન્ય લોકોની સમજની બહાર
દેશભરના નાનામાં નાના એરપોર્ટને ઉડાન યોજનામાં સમાવાયા છે. પણ ભુજની અવગણના સામાન્ય લોકોની સમજની બહાર છે. ભુજ એરપોર્ટ પર હાલ મુંબઇની દૈનિક ફ્લાઇટ છે. જ્યારે બેલગાવની વાયા અમદાવાદની ફ્લાઇટ છે. બસ આ બે જ ફ્લાઇટ સિવાય કોઇ સેવા નથી.
ભુજ એરપોર્ટ પર હાલ મુંબઇની દૈનિક ફ્લાઇટ
વર્ષ 2019 સુધી એરપોર્ટ પર મુંબઇની દૈનિક ત્રણ ફ્લાઇટની આવ-જાવ હતી. અને મહિને 15 હજાર કરતા વધારે પ્રવાસીઓની ભુજ એરપોર્ટ પર આવ-જાવ રહેતી હતી. હાલ 6 હજાર આસપાસ પ્રવાસીઓ ભુજ એરપોર્ટ પર નોંધાઇ રહ્યા છે. આ બધાની વચ્ચે ભુજને કૃષિ યોજનામાં સામેલ કર્યું હતું.
ભુજ એરપોર્ટને ન પ્રવાસી કે ન કૃષિ ઉડાન ફળીભૂત થઇ
કચ્છમાં કેસર કેરી, ખારેક, કમલમ (ડ્રેગન ફ્રુટ), દાડમ સહિતના પાકોની નિકાસ કરાય છે. તેથી ભુજને આ કૃષિ યોજનામાં સામેલ કર્યો હશે. હાલ અમૃતસર, દરભંગા, સિક્કિમ, ચેન્નઇ, વિજાગ, કોલક્તા, ડિબ્રુગઢ, દિલ્હી, ગુવહાટીને તાજેતરમાં કૃષિ યોજના 2.0માં પણ સામેલ કરાયા છે. આ સિવાય દેશના અનેક એરપોર્ટ પર કૃષિ નિકાસ શરૂ થઇ ગઇ છે. જોકે ભુજમાં હજુ સુધી કૃષિ પ્રોડક્ટ કે રૂટની ઓળખ કરાઇ નથી. એટલે કે ભુજ એરપોર્ટને ન પ્રવાસી કે ન કૃષિ ઉડાન ફળીભૂત થઇ !
વર્ષ 2020માં યોજના લાગુ કરાઇ હતી
કેન્દ્ર સરકારે કૃષિ ઉત્પાદનો વેચાણ અને નિકાસ માટે વર્ષ 2020માં કૃષિ ઉડાન યોજના અમલમાં મુકી હતી. ભુજ એરપોર્ટને પણ સામેલ કરવામાં આવ્યુ હતું. દેશના અનેક એરપોર્ટ પર આ યોજના લાગુ કરાઇ છે. ભુજમાં પ્રયાસ કરાય તો કૃષિના અનેક પ્રોડક્ટ કમસે કમ મુંબઇ સુધી મોકલી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.