કચ્છની ધોરી નસ સમી નર્મદા કેનાલમાં અંતે અંજારના ટપ્પર ડેમ સુધી રેકોર્ડ સ્તરે પાણી વહી નીકળતા મુખ્ય કેનાલ ફરી એક વખત જીવંત થઈ ઉઠી છે. અંજાર અને રાપરમાં ઉનાળાના દિવસોમાં સર્જાયેલી પીવાના પાણીની તંગીથી હવે નર્મદાના જળથી લોકોને રહત મળશે. 215 કિલોમીટર દૂરથી રાજ્ય અને કેન્દ્ર સરકારના સીધા માર્ગદર્શન હેઠળ હાલ નર્મદાની મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ ગતિભેર વહેતો જોવા મળી રહ્યો છે. જે કચ્છના અને ખાસ કરીને પૂર્વ વિભાગના લોકો માટે દર્શનીય બની રહ્યા છે.
છેલ્લા થોડા માસથી નર્મદા કેનાલમાં સમારકામના કારણે પાણી વિતરણ વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યું હતું જે નક્કી થયા મુજબ ફરી શરૂ કરવામાં આવતા અંતે આ પાણી એક સપ્તાહ બાદ અંજારના ટપ્પર સુધી પહોંચતું થયું છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારના નિર્ણય બાદ પ્રથમ રેકોર્ડ સ્તરે પાણીનો પ્રવાહ નર્મદા કેનાલમાં જોવા મળી રહ્યો છે.
આ માટે રાપરના ફતેહગઢ સંપ હાઉસ અને ભચાઉના પંપિંગ હાઉસ ખાતે પાણીના પ્રવાહને આગળ ધપવવામાં આવી રહ્યા છે. ભચાઉ પાસેના પંપિંગ હાઉસમાં નાની અને મોટી બે મહાકાય મોટ સતત ચાલુ રાખવામાં આવી છે. પાણીનું સ્તર જળવી રાખવા સમયાંતરે નાની મોટર ચાલુ-બંધ કરવામાં આવી રહ્યાનું નર્મદા બિભગના નિવૃત કર્મચારી છગનભાઇ પરડવાએ જણાવ્યું હતું.
રાપરમાં ઉનાળા દરમિયાન સર્જાતી પીવાના પાણી સમસ્યા નિવારવા નગસર તળાવ સિવાય નર્મદાના જળને રાપર પાસેના નંદાસર નજીક કેનાલ પાસે વધુ પાણીના સ્ત્રોત એકત્ર કરવાની યોજના અમલમાં લાવવા રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા અને રાપર પદાધિકારીઓ તથા આગેવાનો સાથેનું પ્રતિનિધી મંડળ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી સમક્ષ રજૂઆત માટે ગયું હતું અને આ આ મામલે દરખાસ્ત મૂકી હતી. તેમાં હકારાત્મક પ્રતિસાદ મળતા આગામી સમયમાં રાપર નગરને ઉનાળા દરમ્યાન પાણી સમસ્યાથી મુક્તિ મળવાના સંકેતો પ્રાપ્ત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.