શિક્ષણ:નાનીબા પાઠશાળા, દિવાનજીની હવેલી સહિતનો થશે અભ્યાસ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐતિહાસિક વારસાના દસ્તાવેજીકરણ માટે તોરણીયા નાકાનો અહેવાલ તૈયાર
  • મહારાવની સંસ્થાએ તજજ્ઞોની યુનિવર્સિટી સાથે કર્યા કરાર
  • પ્રાગમહેલનું બાંધકામ ગોથિક શૈલીના સંયોજનમાં કચ્છી ઇજનેરીકળાનું ઉત્તમ ઉદાહરણ

કોઈ પણ પ્રદેશની ઓળખ ત્યાંના સાંસ્કૃતિક વારસા પરથી થાય છે. સદીઓ અગાઉ થયેલા બાંધકામ તે પ્રદેશના રાજ કરનાર રાજવીઓ દ્વારા તે સમયની સંસ્કૃતિનું સંરક્ષણ કરવાની નીતિનું પ્રતિબિંબ પાડે છે. કચ્છનો રાજવી પરિવાર અન્ય પ્રદેશના રાજાઓ કરતા વધુ ઇજનેરી કૌશલ્ય ધરાવતા હતા તેનું ઉદાહરણ છે.

સમગ્ર કચ્છ અને જિલ્લા મથક ભુજ સ્થિત ઐતિહાસિક વિરાસતો. છ મહિના અગાઉ કચ્છના મહારાણી પ્રીતિદેવી તેમજ તેમની સંસ્થાના સદસ્યોએ અમદાવાદની સંસ્થા સેન્ટર ફોર એન્વાર્યમેન્ટલ પ્લાનિગ એન્ડ ટેક્નોલોજી ‘સેપ્ટ’ સાથે કરાર કરીને અહીંની ઐતિહાસિક ધરોહર સમાન ઈમારતોનો અભ્યાસ, પૃથક્કરણ અને રિપોર્ટ તૈયાર કરવાના એમઓયુ કર્યા હતા. જેના પ્રથમ ફેઝમાં ભુજ નગરનું નાકું એવા ‘નગારખાના’નો રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. જેમાં રસપ્રદ તારણો બહાર આવ્યા છે.કચ્છનો ઇતિહાસ અને એન્જિનિયરિંગ બંને વિશિષ્ટ છે.

આ યુનિક હેરિટેજનો અભ્યાસ થાય અને તેનું સંરક્ષણ થાય તે જરૂરી છે. માટે સૌપ્રથમ જિલ્લા મથક ભુજ નગરના પ્રવેશદ્વાર સમાન નાકુ કે જેને હળવદીયું નાકું, તોરણીયુ નાકું તેમજ નગાર ખાનું તરીકે ઓળખાય છે, તેનો અભ્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ભુજના વિવિધ સ્થાપત્યોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં અગાઉથી કોઈ જ રેફરન્સ અપાયો ન હોવાથી સૌ પ્રથમ બારીક નજરે જોઈને શું દેખાય છે તેમજ તેમાં કયો ઇતિહાસ છુપાયેલો છે તે શોધવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવતા ઘણી એવી બાબતો કે જે અપ્રકાશિત હતી તે બહાર આવી.

જેમકે રાણીવાસના ઝરૂખામાં અર્ધ ભાગમાં કલાકૃતિ તો બાકીના અર્ધ ભાગમાં મિરર ઇફેક્ટ હોવાને બદલે અલગ સંસ્કૃતિ જોવા મળી જે યુનિક છે. તો પ્રાગ મહેલ કે જેને ગોથીક સ્ટ્રક્ચર કહેવાય છે, તેમાં પણ કચ્છી રાજ પરિવારની ઇજનેરી કૌશલ્ય જોવા મળ્યું. રાવ લખપતજીના સમયમાં બાંધવામાં આવેલ આઈના મહેલમાં યુરોપિયન સંસ્કૃતિની અસર જોવા મળે છે. ઐતિહાસિક વિરાસતોનો અભ્યાસ અને જાળવણીના આવતા અઢી વર્ષમાં દિવાનજીની હવેલી, નાનીબા પાઠશાળા સહિતના રાજાશાહી ધરોહરનો અભ્યાસ થશે.

શહેરના વિવિધ સ્થાપત્યોથી સેપ્ટની ટીમ પ્રભાવિત
એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં માસ્ટર્સ કરનાર વિદ્યાર્થીઓ ભુજના વિવિધ સ્થાપત્ય જોઇને પ્રભાવિત થયા હતા. ભારતમાં ઈન્ડો સારસેનિક, રાજપુતાના, મરાઠા, બંગાળી ઉપરાંત આંતરરાષ્ટ્રીય ગોથીક, બાહોસ, ફ્લોરિન્ટિન જેવા વિવિધ ઇજનેરી કળાના અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ દ્વારા ભુજમાં દરબારગઢ ઉપરાંત પણ બીજા રાજાશાહી સમયમાં બંધાયેલા સ્થાપત્યોનો અભ્યાસ કરીને તેમના મંતવ્યો આપ્યા હતા. ceptના અંજનાએ જણાવ્યું કે, લોકો અને સંસ્કૃતિનું સમન્વય જોવા મળ્યું. તો ફેકલ્ટી સ્નેહા અનંદે જણાવ્યું કે, વિવિધતા સાથેનું નાકું અને અન્ય સ્થાપત્યોની વિશિષ્ટ કોતરણી ધ્યાનાકર્ષક છે. દરેક સ્થળની તેની એક કહાની છે.

અન્ય સમાચારો પણ છે...