શહેરના શીવકૃપાનગરમાં આવેલા ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા પત્રકાર ગીરીશભાઈ જોશીના ઘરે ગાંધીધામમાં રહેતા તેમના નાનાભાઇ અને કોંગ્રેસી આગેવાન ચેતનભાઇ જોષી દંપતિ તથા તેમના બહેન સહિતના સબંધીઓ આવ્યા ત્યારે તેઓ પોતાના દીકરાને ભણતર માટે અમદાવાદ મુકવા ગયા એ દરમ્યાન તસ્કરોએ કળા કરીને તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ભાઈની પત્ની અને બહેનના રૂ.10 લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ 10.30 લાખની મતા તફડાવી જતા ભારે ચકચાર મચી જવા પામી છે.
શહેર એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે,ગાંધીધામમાં સર્વોદય સ્કૂલની બાજુમાં રહેતા ચેતનભાઈ લક્ષ્મીશંકર જોશીએ ફરિયાદ લખાવી હતી.જે મુજબ તેઓ પોતાના ભાઈના ઘરે બાળકોનું વેકેશન અને લગ્નપ્રસંગો હોવાથી પરિવાર સાથે આવ્યા હતા.દરમ્યાન અહીં તેમની નાની બહેન જિજ્ઞાબેન અંજારથી અને પિતા લક્ષ્મીશંકર અને બીજા બહેન હેતલબેન સહિતના પણ મોથાળાથી ભુજ આવ્યા હતા.
ભાઈનો દીકરો વિરલ ગાંધીનગરમાં અભ્યાસ કરતો હોવાથી ગીરીશભાઈ પત્ની સાથે વિરલને મુકવા ગયા હતા દરમિયાન ગઇકાલે પધ્ધર રહેતી માસીની દીકરી બહેન લતાબેનના ઘરે જમવા જવાનું હોઇ તમામ સભ્યો રાત્રે પોણા 9 વાગ્યાના અરસામાં પધ્ધર જવા નીકળ્યા હતા અને મકાનની ચાવી બાજુમાં રહેતા જલ્પેશભાઈને આપી હતી તેમજ ગીરીશભાઈની સાથે રહેતો કાકાનો દીકરો વિવેક નરસિંહ મહેતાનગરમાં રહેતા કાકા ચંદ્રકાંતભાઈના ઘરે જમવા ગયો હતો.
જોકે રાતે પોણા 12 વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે વિવેક હાજર હતો અને તેણે કહ્યું કે તે સાડા દસ વાગ્યે ઘરે આવ્યો ત્યારે રસોડાના પાછળના દરવાજાને લોક મારેલ ન હતું અને ઉપરના માળે સુવા જતો રહ્યો હતો દરમિયાન બેડરૂમમાં જતા બહેન જિજ્ઞાના થેલાની ચેઇન તૂટેલી જણાઈ હતી જેથી તપાસ કરતા 1.20 લાખના દાગીના ગાયબ જણાઈ આવ્યા હતા
તેમજ પત્ની ખ્યાતીએ પોતાની બેગ જોતા તેમાંથી 8.80 લાખના સોનાના ઘરેણાં અને ચાંદીના 5 હજારની કિંમતની વસ્તુઓ અને પાઉચમાં રહેલા રોકડા રૂ.25 હજાર ગાયબ જણાઈ આવ્યા હતા જેથી ચોરી થયાનું જણાઈ આવતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે તપાસનીશ પીઆઇ અંકુર પટેલથી વાત કરતા તેમણે તપાસ ચાલુમાં હોવાનું કહ્યું હતું.
ઘરમાંથી તસ્કરો આ દાગીના લઈ ગયા
ગળામાં પહેરવાનું પેન્ડલ બુટી સેટ,ડોકિયું,બે વીંટી, પાંચ જોડી કાનમાં પહેરવાની બુટ્ટી જે આશરે 3 તોલા કિ. રૂ.1.20 લાખ તેમજ સોનાના 2 મંગળસૂત્ર,ગળામાં પહેરવાનો હાર બુટ્ટી સાથે,ડોકિયું, સોનાની બંગડી,હાથમાં પહેરવાનો બલોયો,સોનાના 2 બ્રેસલેટ,6 વીંટી કુલ વજન 22 તોલા કિંમત રૂ.8.80 લાખ અને 5 હજારની કિંમતના ચાંદીના 4 સિક્કા,ગાય અને લક્ષ્મીજીની મૂર્તિઓ સહિતના ઘરેણાં તસ્કરો લઈ ગયા હોવાનું પોલીસચોપડે નોંધાયેલી ફરિયાદ પરથી જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.