દેશની પશ્ચિમ સરહદે આવેલા સૌથી મોટા કચ્છ જિલ્લામાં છેવાડે આવેલુ નલિયા મથક, શિયાળા દરમિયાન રાજ્યનું હોટ સ્પોટ બની જાય છે. ઉતરી દિશાએથી ફૂંકાતા ઠંડા પવનની અસર ભૌગોલિક સ્થિતિના કારણે નલિયાના તાપમાનમાં વિશેષ જોવા મળતી હોય છે. મોટા તળાવો, ખુલ્લો જમીન વિસ્તાર અને જંગલ સહિતના કારણે મોટા ભાગે અબડાસા તાલુકાનું વડું મથક, ઠંડીમાં રાજ્યમાં અવ્વલ રહેતું હોય છે. આજે પણ વર્ષનું સૌથી ઓછું 2 ડીગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું નીચું તાપમાન ધરાવતું મથક બની ગયું છે. નલિયા સાથે ઠારના પ્રતાપે સમગ્ર કચ્છમાં ઠંડીનું જોર વધી જતાં જિલ્લાનું જન જીવન પ્રભાવિત થયું છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાની વાત કરવામાં આવે તો આ વર્ષની 25 ડિસેમ્બરે 4.2 ડીગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. હવે તેનાથી પણ ઓછું તાપમાન આજે 2 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સ્વાભાવિક રીતે ઠંડીની અસર અહીંના જન જીવન પર જોવા મળી રહી છે. ઠંડીના કારણે નલિયાની નહેરુ રોડ બજાર અને ગાંધી બજારમાં દુકાનો મોડી ખુલી રહી છે. આસપાસના ગ્રામીણ વિસ્તારમાં પણ ઠંડીનું જોર રહેવાથી લોકો જથ્થાબંધ કે છૂટક માલ ખરીદી કરવા આવતા નથી. માલધારીઓને પણ ઠંડીમાં ગાય ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો સહન કરવો પડી રહ્યાનું કપિલ જોશીએ જણાવ્યું હતું. આ સિવાય ભુજમાં 9 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હમીરસર તળાવના વોક વે પર કાયમી વોક કરવા આવતા લોકો સિવાય ટહેલવા આવતા લોકોની હાજરી નહિવત જોવા મળી હતી. હંગામી આવાસની બહાર અને ચાની કિટલી પાસે લોકો તાપડાનો સહારો લેવો મજબુર બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.