લોકશાહીના પર્વ ચૂંટણીની કામગીરી કરવા માટે વહીવટી કર્મચારીઓમાં ઉત્સાહ છે, જોકે, નખત્રાણા તાલુકાના કર્મીઓને પોણા બસો કિલોમીટર જેટલું અંતર કાપી છેક અબડાસાના હોથીવાંઢ ખાતે ચાલતી ચૂંટણી તાલિમ પ્રક્રિયામાં જવું પડે છે. લાબું અંતર અને વાહનોની અસુવિધાને લઈ કર્મીઓને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યાની બૂમ ઉઠી છે.
આ વિશે સામે આવેલી વિગતો મુજબ ગ્રામ પંચાયત, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની તાલીમ નખત્રાણા ખાતે જ આપવામાં આવતી હોય છે. જ્યારે વિધાનસભા ચૂંટણી માટેની તાલીમ નખત્રાણાથી દોઢસો કિલોમીટર દૂર રાખવામાં આવી છે. તંત્ર તરફથી ચૂંટણી અંગેની તાલીમ સ્થાનિકે રાખવામાં આવે તો કર્મીઓનો હાલાકી ભોગવવી ન પડે.
નખત્રાણાના કર્મીઓને હોથીવાંઢ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે
વિધાનસભાની ચૂંટણી કામગીરી કરવા માટે પ્રથમ, બીજા, અને ત્રીજા મતદાન અધિકારીઓ તેમજ મહિલા મતદાન અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરીથી વાકેફ કરવામાં આવી રહ્યા છે. ત્યારે નખત્રાણા તાલુકાના વિવિધ મતદાન અધિકારીઓ તેમજ મહિલા મતદાન અધિકારીઓને ચૂંટણી તાલીમ માટે અબડાસા તાલુકાના નલિયા પાસે આવેલા હોથીવાંઢ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે, તેમાં મહિલા કર્મચારીઓને અવરજવર માટે વિશેષ મુશ્કેલી સર્જાઇ છે.
તાલીમના સ્થળે પહોંચવામાં પારાવાર મુશ્કેલી
નખત્રાણામાં અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો આવેલ છે. જ્યાંથી વાહન વ્યવહારની સુવિધા નહિવત હોય તેવા ઘણા બધા વિસ્તારો છે જેમકે અરલ, ગોધિયાર, જાલુ, ચંદનનગર, પાનેલી,ગેચડા, જેવા અંદાજે 100 થી વધુ ગામડાઓ એવા છે કે જ્યાંથી નલિયા આવવા જવા માટે એસ.ટી. બસની કે અન્ય કોઈ સુવિધા નથી. પોતાના સ્થળેથી નખત્રાણા, નખત્રાણાથી દેસલપર, દેસલપરથી નલિયા અને નલિયાથી તાલીમના સ્થળે પહોંચવામાં મહિલા કર્મચારીઓ પારાવાર મુશ્કેલી વેઠીને માંડ માંડ પહોંચ્યા હતા. ફરીથી તાલીમ પૂર્ણ કરીને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં પણ મહિલા કર્મચારીઓને આજે ખૂબ જ મુશ્કેલી સર્જાઇ હતી.
યોગ્ય વાહન વ્યવસ્થાનો અભાવ
આ અંગે ચૂંટણી તાલીમ લેવા આવનાર મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વ સમાન ચૂંટણી કામગીરી માટે ખૂબ જ ઉત્સાહ છે. પણ વહેલી સવારે કોઈ પણ સાધન વાહન વ્યવહારની સુવિધા વિના પોણા બસો કિલોમીટર જેટલા અંતર કાપવા માટે યોગ્ય વાહન વ્યવસ્થા ના અભાવે આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે.
તાલીમ તાલુકા મથકે જ રાખવાની રજૂઆત
નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા વી.જાડેજાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને પડતી મુશ્કેલી બાબતે, ચૂંટણી તાલીમનું સ્થળ સ્થાનિકે નખત્રાણા તાલુકા મથકે જ રાખવામાં આવે તે માટે તંત્ર પાસે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.