નખત્રાણાની વિદ્યાર્થિનીએ વિકટ પરિસ્થિતિ વચ્ચે અપેક્ષા દિલીપભાઈ પટેલે ધોરણ 12માં કચ્છમાં ત્રીજો અને નખત્રાણા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. નખત્રાણાની ટી.ડી.વેલાણી કન્યા હાઈ સ્કુલમાં અભ્યાસ કરીને સામાન્ય પ્રવાહમાં કોમર્સ વિભાગમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ત્રીજા નંબરે અને નખત્રાણા તાલુકામાં પ્રથમ નંબર મેળવીને પોતાના સદગત પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
કોરોના કારણે ગત વર્ષે પિતાનું અવસાન થતાં, ઘરની તમામ સામાજિક અને આર્થિક જવાબદારી નિભાવવાની સાથે અભ્યાસ પણ ચાલુ રાખી ધોરણ 12ના પરિણામમાં 700 માંથી 657 ગુણ મેળવીને A 1 ગ્રેડ સાથે 99.94 પર્સેન્ટાઈલ તેમજ 93.86 ટકા મેળવીને પોતાના પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. અપેક્ષા દિલીપભાઈ પટેલ નામની વિદ્યાર્થિનીએ ખેડૂત પુત્રી હોવાના કારણે મગફળી, કપાસ તેમજ ખેતીના તમામ કાર્યોમાં પારંગતતા હાશીલ કરી છે. સાથે- સાથે દૈનિક પાંચ થી છ કલાકનું નિયમિત વાંચન કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.તેના પિતાએ તેને આઇ.એ.એસ. બનાવવાનું સ્વપ્ન જોયું હતું.પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે રાત- દિવસ એક કરીને તેણે અભ્યાસ કર્યો છે. અને ભવિષ્યમાં તે આઈ.એ. એસ. ઓફિસર બનીને દેશ ની સેવા કરવા ઈચ્છે છે.
અપેક્ષા માતાને ઘરકામમાં મદદની સાથે નાની બહેન જે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે, તેમજ નાનો ભાઈ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે, તેઓને પણ અભ્યાસમાં મદદ પણ કરે છે. વિપરીત પરિસ્થિતિ અને વિપરીત સંજોગોમાં મધ્યમ વર્ગની ખેડૂત પુત્રીએ બેવડી જવાબદારી નિભાવીને ઉચ્ચ ગુણાંકન મેળવ્યા છે.પોતાની સફળતા નો શ્રેય અપેક્ષા તેની માતા અને પરિવારને આપતી હોવાનું બાદલ જોશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.