સંગીતનું જ્ઞાન:નખત્રાણાના નાના અંગીયાની ધોરણ 8માં ભણતી છાત્રાએ પાંચ ભાષાઓમાં 80 ગીત કંઠસ્થ કર્યા

નાના અંગીયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારણાંમાથી બહાર નીકળીને માત્ર 3 વર્ષની ઉંમરે જ ગીત ગાવાની શરૂઆત કરી
  • પુત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માતાએ પ્રેક્ટિસ કરી, પછી દીકરીને સંગીતનું આપ્યું જ્ઞાન

આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગાયન ક્ષેત્રે કાઠું કાઢ્યું છે,તે એક - બે નહિ પણ દેશ-વિદેશની પાંચ જેટલી અલગ અલગ ભાષાઓમાં સારી રીતે ગીત ગાઈ શકે છે.આ સિદ્ધિ મેળવી છે નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામની કેશ્વી હર્ષદ પટેલે, માત્ર 3 વર્ષની ઉંમરે પ્રથમ ગીત શ્યામ તેરી... થી પોતાની ગાયન કારકિર્દી શરુ કરનાર કેશ્વિ આજે ઘણા ગીતો ગાઈને પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે.

ગાયન ક્ષેત્રની સાથે સાથે તે સ્કેચ ચિત્ર તેમજ ભરતનાટ્યમ નૃત્યનો પણ શોખ ધરાવે છે. તેના પિતાનો જન્મ કલકત્તામાં થયો હોવાથી, બંગાળી ભાષા ગળથૂથીમાં મળી છે જેથી આશા ભોંસલે એ જે ગીતને કંઠ આપ્યો છે તે બંગાળી ખૂબ જ સારી રીતે ગાયું છે.ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી તેમજ કોરીયન ભાષામાં બધા મળીને 80 જેટલા ગીતો કંઠસ્થ છે.

આ માટે તેના માતા લક્ષ્મીબેન સંગીતના રિયાઝ માટે જરૂરી સાધન સુવિધાઓની સાથે ગાયન મહાવરા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.સ્થાનિકે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં વિનામૂલ્યે સંગીત પીરસે છે.

ભરતનાટ્યમ અને સ્કેચ દોરવામાં પણ નિપુણતા
ગીતોની સાથે કેશ્વી ભરતનાટ્યમ અને વિવિધ સ્કેચ ચિત્રો દોરવામાં પણ નિપુણતા ધરાવે છે. 2018માં મધર ટેરેસા ડ્રોઈંગ કોમ્પીટીશનમાં સમગ્ર ભારતમાં ચોથુ સ્થાન અને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને એક ઓલરાઉન્ડરની જેમ દરેક ક્ષેત્રમાં પોતાનું પદાર્પણ કર્યું છે. પોતાનો અભ્યાસ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખીને દરરોજ દોઢ કલાક જેટલો સમય સંગીત મહાવરા માટે સમય ફાળવે છે. આ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ પણ વસાવ્યા છે.

ઈન્ડિયન આઇડલમાં ભાગ લેવાની ઈચ્છા
લતા મંગેશકર, આશા ભોંસલે જેવા કલાકારોને તે પોતાના આદર્શ માને છે. અને ભવિષ્યમાં ઇન્ડિયન આઇડલમાં ભાગ લેવાની મહત્વકાંક્ષા સેવે છે. માતા લક્ષ્મીબેને જણાવ્યું કે , પોતાની દીકરીની મનની ઈચ્છા અને ગાયન શોખને પૂર્ણ કરવા માટે પોતાનાથી બનતું તમામ કરી છૂટશે.

અન્ય સમાચારો પણ છે...