તકેદારી:ભારે વરસાદની સ્થિતિને નિપટવા પાલિકા તંત્ર સજ્જ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપતિએ કોઈપણ સંજોગને પહોંચી વળવા ટીમ તૈનાત કરી, ઈજનેરો-શાખાધ્યક્ષોને 2-2 વોર્ડની જવાબદારી

ભુજ નગરપાલિકામાં શુક્રવારે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે ભારેથી અતિભારે વરસાદના પગલે અાપત્તિ સમયે કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે ઈજનેરો અને શાખાધ્યક્ષોની બેઠક બોલાવી હતી અને દરેકને તકેદારી રાખવા માટે 2-2 વોર્ડની જવાબદારી સોંપી હતી. જેમને 11મી જુલાઈ સુધી ભુજ નગરપાલિકાના કર્મચારીઅો 24 કલાક ખડેપગે રહે અે માટે દરેક કર્મચારીના ફરજના સમયનો વારો નક્કી કરવા સૂચના અાપી હતી.

નગરપતિઅે વોટર, ડ્રેનેજ, સેનિટેશન શાખાના ઈજનેરોના નેજા હેઠળ અાપત્તિ વ્યવસ્થાપનના ભાગ રૂપે ટીમ બનાવી છે. જેઅો પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને મુખ્ય અધિકારીના ઈમર્જન્સી વ્હોટ્સ અેપ ગ્રૂપથી સંકળાયેલા રહેશે. તેમણે શહેરના દરેક વોર્ડની વરસાદી સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવા સૂચના અાપી હતી. તમામ વાહનો અને મશીનો વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે અનામત રાખવા પણ સૂચના અાપી હતી.

સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ સક્રિય
ભુજ નગરપાલિકાઅે નગરપતિ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાના કાર્યકાળમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવી હતી. જે સક્રિય છે, જેથી શહેરના માર્ગો ઉપર, ખાસ કરીને ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ વિસ્તારમાં પાણી ભરાયા બાદ અેક બે કલાકની અંદર અોસરવા લાગ્યું હતું.

સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ નહોતી અે વર્ષો દરમિયાન દિવસો સુધી પાણી અોસરતું નહોતું. જે સમસ્યા હવે રહી નથી. નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે પણ કહ્યું હતું કે, ઉમેદનગરથી, અોલ્ફ્રેડ હાઈસ્કૂલ, જિલ્લા પંચાયત અને ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સુધીના માર્ગે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહી નથી. સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમને કારણે પાણી અોસરી જાય છે.

ગટરના ઢાંકણાં ન ખોલવા તાકીદ
ડ્રેનેજ શાખાના ઈજનેર ભાવિક ઠક્કરે કહ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલ માટે ગટરની ચેમ્બરના ઢાંકણાં ખોલવા ન જોઈઅે. અેથી સમસ્યા ઉલ્ટું વકરશે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ સક્રિય છે, જેથી સમયમર્યાદામાં પાણી અાપોઅાપ અોસરી જશે.

અન્ય સમાચારો પણ છે...