કેબિનેટ મંત્રી આવતા જ ઠામઠેકાણે:નગરપાલિકા વિપક્ષ કોંગ્રેસના નગરસેવક વિહોણી નહીં થાય

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના કેબિનેટ મંત્રી આવતા જ ઠામઠેકાણે આવી ગયા

ભુજ નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના 8 નગરસેવકોઅે પૂર્વ વિપક્ષીનેતાના સમર્થનમાં કોંગ્રેસ પક્ષના સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું, જેથી પ્રશ્ન થયો હતો કે, શું ભુજ નગરપાલિકા વિપક્ષ કોંગ્રેસ વિહોણી થઈ જશે. પરંતુ, રાજેસ્થાનના કેબિનેટ મંત્રી અાવતા જ સાૈ કોઈ ઠામ ઠેકાણે અાવી ગયા છે, જેથી હવે ભુજ નગરપાલિકા વિપક્ષ કોંગ્રેસ વિહોણી નહીં થાય.

ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાઅે ભુજ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારના ફોર્મ ભરાવવાનું શરૂ થયું ત્યાં સુધી ઉમેદવારનું નામ જાહેર ન કરતા તેના વિરોધમાં સક્રિય સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદ તેમના સમર્થનમાં તરત જ હાલના વિપક્ષીનેતા કાસમ સમા અને તેમની સાથેના અન્ય 7 નગરસેવકો સહિત કુલ 8 હાલ નગરસેવકોઅે પણ કોંગ્રેસના સક્રિય સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું.

જે બાદ પૂર્વ નગરસેવકો અને અમુક કાર્યકરો સહિત કુલ 21થી 22 રાજીનામા પડ્યા હતા, જેથી ભુજ નગપાલિકા વિપક્ષ કોંગ્રેસ વિહોણી થઈ જાય અેવી શક્યતા ઊભી થઈ હતી. જોકે, પ્રદેશ કક્ષાઅેથી પેટનું પાણી પણ હલ્યું ન હોય અેમ લાંબા સમય સુધી રિસામણે બેઠેલાને મનામણાના સ્તરે લઈ ગયા ન હતા. છેલ્લે રાજેસ્થાનના કેબિનેટ મંત્રી સાલેમામદ કલર અાવ્યા હતા અને ભાવતું ને વૈદ્યે કહ્યું જેવો તાલ સર્જાતા તરત જ કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર પ્રસારમાં સૌ લાગી ગયા. અામ, વિપક્ષ કોંગ્રેસના તમામ નગરસેવકો મૂળ ઠામ ઠેકાણે અાવી ગયા છે.

અેટલે ભુજ નગરપાલિકા વિપક્ષ કોંગ્રેસ વિહોણી થાય અેવી કોઈ શક્યતા નથી. જોકે, બીજી તરફ તેઅો જેમના સમર્થનમાં રાજીનામા ધરી બેઠા હતા અે પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાઅે ભાજપને પોતાનું ઠામઠેકાણું બનાવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...