અબડાસા તાલુકાના રાતા તળાવ સ્થિત આવેલા મહાદેવના નીજ મંદિરમાં ચંપલ અને ટૂંકા કપડા પહેરીને પ્રવેશેલા મુંબઇવાસીને મહંતએ ટોકતાં પોતે શાહરૂખખાનના પુત્રને ડ્રગ્સના કેસમાં ફીટ કરાવ્યો હોવાનું અને હવે અહીં કેમ રહે છે ગુંડા મોકલાવીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં આરોપી વિરૂધ નલિયા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અપાઇ છે.
અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતેના અમરનાથ મહાદેવના મંદિરમાં બન્યો છે. આ અંગે અમરનાથ મહાદેવ મંદિરના પુજારી મહંત વિવેકગિરિ દોલતગિરિએ નલિયા પીએસઆઇને લેખિત ફરિયાદ કરતાં જણાવ્યું છે. કે, બનાવ રવિવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. મુંબઇ રહેતા મનિષ ભાનુશાલી અને તેમના પત્ની મંદિરમાં આવ્યા હતા. અને ચંપલ સાથે મંદિરમાં પ્રવેશીને નીજ મંદિરમાં બન્ને જણાઓ પેન્ટ સાથે ગયા બાદ અંદર બેઠા હતા.
મહંતે તેઓને નીજ મંદિરમાં આ પ્રકારના કપડા પહેરીને અને ચંપલ બુટ ઉતારી પછી દર્શન કરવા જાવ, તેવું કહેતાં મનિષભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. અને ગાળા ગાળી કરીને મહંત સાથે અભદ્ર વર્તન કરીને જણાવ્યું હતું કે, તમે મને ઓળખતા નથી હું કોણ છું ? મેં મુંબઇમાં શાહરૂખખાનના છોકરાને ડ્રગ્સમાં ફીટ કરાવી નાખ્યો હતો.
મારા છેડા લાંબા છે. હવે હું જોવું છું તમે અહિંયા કેમ રહો છો ? ગુંડા મોકલાવી તમારૂં તમામ કામ પૂરું કરાવી નાખીશ કહીને મહંતને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સાથે આ અંગે આવા કથિત માથાભારે શખ્સ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી તથા પોતે જંગલમાં મંદિરમાં એકલા રહેતા હોવાથી જાનનો ખતરો હોવાનું પોલીસને જણાવ્યું હતું. નલિયા ઇન્ચાર્જ પીએસઆઇને આ બાબતે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અરજી મળી છે. પણ મારા પાસે હજુ આવી નથી આ બાબતે ચોક્કસ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.