નાડાપા પાટિયા નજીક રવિવારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં બોલેરો ગાડીએ ટક્કર મારતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. નાડાપા પાટિયા નજીક બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.મૂળ બિહારના અને હાલે ધાણેટી રહેતા વીકીકુમાર શનીચરકુમાર રાજપૂત બાઈક લઇ જઈ રહ્યા હતા.
એ દરમિયાન રવિવારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં નાડાપા પાટિયા પાસે બાઈકને ટક્કર મારી બોલેરો ચાલક નાસી ગયો હતો.બનાવને પગલે બાઈકચાલકને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબ ડૉ.મયુરસિંહ જાડેજાએ 14:35 વાગ્યે મૃત જાહેર કર્યો હતો.
વરસાણા પાસેની કંપનીમાંથી બેહોશ મળેલા કામદારનું મોત
અંજારના વરસાણા પાસે આવેલી લેકમી લીવર કંપનીમાંથી ગત સાંજે બેહોશ હાલતમાં મળેલા કામદારનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યું હોવાની, તો તા.8/11 ના રોજ ભીમાસર (ચ) પાસે આવેલી પી.એન.એગ્રો કંપની બહાર ટેન્કર સફાઇ કરતી વેળાએ લાગેલા વીજશોકથી ઘાયલ ચાલકે સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, વરસાણા પાસે આવેલી લેકમી લીવર કંપનીમાં કામ કરતા મુળ રાજસ્થાનના 50 વર્ષીય નરશીભાઇ ભંવરસિંહ સોઢા ગત સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન બેહોશ હાલતમાં મળી આવ્યા બાદ સ્ટાફ નર્સ મમતાબેન પ્રજાપતિ તેમને ડીવાઇ લાઇફ હોસ્પિટલ આદિપુર લઇ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબ ડો.ધારા શુક્લાએ તેમને મૃત જાહેર કરી આ બાબતે અંજાર પોલીસ મથકે જાણ કરતાં પીએસઆઇ બી.જી.ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.
તો ભીમાસર (ચ) પાસે આવેલી પી.એન. એગ્રો કંપની બહાર પાર્કિંગમાં ઉભેલા ટેન્કર ઉપર સફાઇ કરવા ચડેલા 22 વર્ષીય બાદસિંગ અજિતસિંહ ચૌહાણનો હાથ ઉપર જતી વીજ લાઇનને અડી જતાં તા.8/11 ના રોજ વીજશોક લાગ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં બીજા જ દિવસે તેમણે દમ તોડ્યો હતો.
વાયોરની અલ્ટ્રાટેક કંપનીની કોલીનીમાં આધેડનો ગળેફાંસો
વાયોરની અલ્ટ્રાટેક કંપનીમાં વિકાસપુરમ કોલીનીમાં રહેતા વડોદરાના 50 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાના સાવલી તાલુકાના ધોડકા ગામના 50 વર્ષીય મનોજસિંગ સાલમસિંગ પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આધેડે કોઈ અગમ્ય કારણોસર અલ્ટ્રાટેક કંપનીની વિકાસપુરમ કોલોનીમાં પોતાના રૂમમાં પંખા સાથે ખાટલાની પાટી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવ બાદ આધેડની લાશને પીએમ માટે નલિયા સીએચસી ખાતે લઇ જવામાં આવી હતી.બનાવને પગલે વાયોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.