ભુજના મુન્દ્રા રોડ પર કોવઇનગરના મેહુલ પાર્કમાં 10 વર્ષના પુત્રને માર મારવા અંગે ઠપકો દેવા ગયેલી મહિલાના જાહેરમાં કપડા ફાડી નાખી શખ્સે માર માર્યાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ છેડતી સહિતની કલમ તળે ગુનો નોંધાવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભોગબનાર 28 વર્ષીય મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રમુખ સ્વામીનગરમાં ચબુતરા પાસે ડેરી ગલીમાં રહેતા ભગુભા નવુભા વાઘેલા વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ સોમવારે રાત્રીના આઠ વાગ્યાના સમય દરમિયાન બન્યો હતો.
ફરિયાદી મહિલાનો પુત્ર કરીયાણીની દુકાને ગયો હતો. ત્યારે આરોપી ત્યાં બેઠો હોઇ ફરિયાદીના દિકરાને કહયું કે, તું ઘોડી લઇને કેમ આવ્યો છો તેમ કહી ગાળો આપી માર માર્યો હતો. દિકરો રડતો રડતો ઘરે આવતાં ફરિયાદી મહિલા આરોપીને ઠપકો દેવા જતાં આરોપીએ ફરિયાદી મહિલાના ગળા પાસેથી કુર્તી પકડીને હાથની બાય સુધી ફાડી નાખી હતી. અને લાતો-હાથોથી માર માર્યો હતો. એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂધ છેડતી સહિતની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.