હાલાકી:દક્ષિણ ભારતીયો લગ્નમાં જતા શહેરના મોટાભાગના ઢોસા સેન્ટર બંધ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરળમાં લગ્નની મોસમ હોવાથી ધંધાર્થીઓ પખવાડિયા માટે વતન ભણી સાગમટે ગયા

શહેરમાં ધંધાર્થે વસતા મોટાભાગના દક્ષિણ ભારતીયો લગ્નમાં પોતાના વતન કેરળ ખાતે જતા શહેરના મોટાભાગના ઢોસા સેન્ટર બંધ થઈ ગયા છે. હાલમાં ફાસ્ટફૂડ અને નાસ્તાનું ચલણ વધી ગયું છે અને રવિવારે સાંજે તો ભુજમાં કોઈ પોતાના ઘરે ચૂલો સળગાવતા જ નથી તેવી વાયકા છે જેના કારણે નાસ્તાની લારીઓ પર ખાસ્સી એવી ગિરદી જોવા મળે છે.

આ વચ્ચે ભુજમાં રોડ પર ઉભા રહેતા સાઉથ ઇન્ડિયન ઢોસા અને ઇડલી-સાંભર બનાવી સ્વાદપ્રિય જનતાને ચટાકો લગાડનારા ધંધાર્થીઓ વતનમાં હોવાથી આ મુદ્દો લોકોના ચર્ચાના એરણે ચડ્યો છે. મોટાભાગના સાઉથ ઈન્ડિયન લોકો હાલમાં લગ્નપ્રસંગોના કારણે પોતાના વતન કેરળમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.સાઉથના સ્વાદે લોકોને ચસ્કો લગાડ્યો હોવાથી ઢોસા અને ઈડલીના ધંધાર્થીઓની ગેરહાજરી લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે...