કચ્છના વિદ્યાર્થીઓને સ્થાનિકે જ ઇજનેરી શિક્ષણ પ્રાપ્ત થાય તેવા આશય સાથે ભુજમાં સરકારી ઇજનેરી કોલેજ આપવામાં આવી છે.બિલ્ડીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈને રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે પણ સ્થાનિકે સમસ્યાઓ ઘણી છે અગાઉ હોસ્ટેલમાં સફાઈ,પાણી,સુરક્ષા સહિતના મુદા અને કોલેજમા લેબ બંધ હોવા સહિતની હકીકતો સાથે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.
સ્ટાફની પણ અહીં ભારે અછત છે ત્યારે ખુદ સરકારે વિધાનસભામાં માહિતી આપી છે જેમાં કબુલ્યું છે કે,ભુજની સરકારી ઇજનેરી કોલેજમા મંજુર જગ્યાઓની સામે અડધા થી વધુ જગ્યાઓ હજીય ખાલી પડી છે આમાં ઉચ્ચશિક્ષણનું સ્તર કેમ આગળ વધે ? તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
વિધાનસભામાં સરકાર દ્વારા અપાયેલી માહિતી મુજબ,વર્ગ - 1 માં મંજુર 23 જગ્યાઓ સામે માત્ર 6 ભરેલી છે અને 17 જગ્યાઓ ખાલી પડી છે.વર્ગ-2માં 72ની સામે 46,વર્ગ 3 માં 10 ની સામે 5 અને વર્ગ 4 માં 6 ની સામે 4 જગ્યા જ ભરેલી છે. કુલ 111 જગ્યાઓની સામે 50 જગ્યા જ ભરાયેલી છે.
રાજ્યની અન્ય સરકારી ઇજનેરી કોલેજોની પણ આવી જ હાલત છે.ભુજ સહિત રાજ્યમાં કુલ 16 કોલેજ આવેલી છે જેમાં વર્ગ 1 થી 4 માં કુલ 1004 જેટલી જગ્યાઓ ખાલી પડી છે ન માત્ર ભુજની સરકારી ઇજનેરી કોલેજ પણ અન્ય કોલેજોમાં પણ પૂર્ણ સ્ટાફ નથી આચાર્ય પણ ઈન્ચાર્જના હવાલે હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.