ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 200 લિટરનું એક ડ્રમ અને 10 લિટરના એક એવા બે ટબ આપવાની ગત વર્ષે જાહેરાત કરાઇ હતી જેના પગલે કચ્છમાં 36,213થી વધુ કિસાનોએ ઓગષ્ટ માસમાં ઓન લાઇન અરજી કરી હતી પણ હજુ સુધી કોઇને કાંઇ ન મળતાં નિરાશા વ્યાપી છે. યોજનાનો લાભ લેવા ઇચ્છુકને ખેડૂત આઇ પોર્ટલ પર તા. 15/8/21થી 31/8/21 સુધીમાં ઓન લાઇન અરજી કરવા જણાવાયું હતું. કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી 36 હજાર કરતાં વધુ ધરતીપુત્રોએ આ ગાળામાં અરજીઓ કરી હતી તે વાતને 9 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઇ સહાય મળી નથી.
જે તે વખતે કરાયેલી જાહેરાતમાં મહિલા વિકલાંગ ખેડૂતને અગ્રતા આપવા અને જો લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ આવી હશે તો ડ્રો પધ્ધતિથી લાભાર્થી નક્કી કરાશે તેમ જણાવાયું હતું. કચ્છભરના ખેડૂતોએ મોટી સંખ્યામાં અરજી કરી જરૂરી આધાર પુરાવાઓ જે તે તાલુકા મથકે જમા કરાવ્યા હતા. જેમાં એક અરજી પાછળ 300થી 400 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સામાન્ય રીતે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં યોજનાના લાભ લાભાર્થી સુધી પહોંચવા જોઇએ પણ આ સાલનું બજેટ રજૂ થઇ ગયા બાદ પણ કોઇને ડ્રમ કે ટબ મળ્યા નથી.
આ બાબતે જિલ્લા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી નયનાબેન પટેલનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, કચ્છને 18 હજારનું લક્ષ્યાંક અપાયું હતું તેની સામે 36,213થી વધુ અરજીઓ આવી હતી. યોજના વિલંબ બાબતે કોઇ માહિતી ન હોવાનું કહેતાં આગામી સમયમાં સુચના મળશે તે મુજબ અમલ કરાશે તેમ ઉમેર્યું હતું. આમ કામ ધંધા મૂકીને યોજનાનો લાભ લેવા અરજી કરનારાઓ કિસાનોમાં 9 માસ બાદ પણ હાથમાં કશું ન આવતાં સરકારની નીતિ સામે રોષ અને કચવાટની લાગણી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.