અંતરાળ વિસ્તારો માંગે જોડાણ:રામપર વાંઢના 350થી વધુ મતદારો 9 કિ.મી. દૂર ગાગોદરમાં કરે છે મતદાન

ગાગોદર3 મહિનો પહેલાલેખક: દિલીપ પંચાલ
  • કૉપી લિંક
  • આઝાદીના 75 વર્ષમાં આજદિન સુધી એસ.ટી. બસ નસીબ નથી થઇ
  • ગાગોદર ગ્રામપંચાયતમાં આવતા આ ગામમાં પ્રાથમિક સુવિધાનો છે અભાવ

રાપર તાલુકાના ગાગોદર ગ્રામપંચાયત હેઠળ અાવતા રામપરવાંઢના રહેવાસીઅો અાઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાઅોથી વંચિત છે અને સ્થાનિકે મતદાન મથક ન હોવાથી 350થી વધુ મતદારો 9 કિ.મી.નું અંતર કાપીને ગાગોદર ખાતે મતદાન કરવા જાય છે.

ગાગોદરથી દક્ષિણ તરફ કાંઠા વિસ્તારમાં રણકાંધીઅે રામપર વાંઢ અાવેલી છે અહીં અંદાજિત 1 હજાર લોકો વસવાટ કરી રહ્યા છે અને મતદાતાઅોની સંખ્યા 350થી વધુ છે. જો કે, સ્થાનિકે મતદાન મથક ન હોવાના કારણે દર વખતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી મતદારો 9 કિ.મી.નું અંતર કાપીને ગાગોદર મતદાન કરવા માટે જાય છે.

લોકો ખેતી પર જ નિર્ભર છે, જેથી જો મેઘરાજા મહેર વરસાવે લોકો ખેતી કરી ગુજરાન ચલાવે છે અને જો વરસાદ ન પડે તો અન્ય ગામોમાં કોલસા કે, મજૂરી માટે ભટકવું પડે છે. કોળી-ઠાકોરની વસ્તી ધરાવતા ગામમાં અાઝાદી બાદ અેક વખત પણ અેસટી બસ અાવી નથી.

ચોમાસામાં નદીમાં પુર અાવતાં ગામ પડે છે વિખુટું
ગાગોદરથી જોડતા ગામના રસ્તા વચ્ચે નદી પર પુલ બનાવવામાં ન અાવતાં દર ચોમાસે નદીમાં ધસમસતા પુર અાવી જતાં રામપરવાંઢના લોકો વિખુટા પડી જાય છે. ગામમાં અાંગણવાડીની સુવિધા નથી. લોકોને પીવાના પાણી માટે ભટકવું પડે છે. અમુક વાંઢોમાં તો કયારેક ચાર-પાંચ દિવસે માંડ 15થી 20 મિનિટ પાણી અાવે છે, જેથી લોકોને નાછૂટકે ડેમ, તળાવોનું પાણી પીવું પડે છે.

ગામમાં દવાખાનાની સુવિધા નથી, જેથી પ્રસુતિ કે, ઇમરજન્સીના સમયે 9 કિ.મી.નું અંતર કાપી ગાગોદર જવું પડે છે અને તેમાંય વરસાદી ઋતુમાં નદીમાં પાણી હોય તો જઇ શકાય તેમ નથી. -ટપુભાઇ મોહનભાઇ ઠાકોર, રામવારવાંઢના રહીશ

અન્ય સમાચારો પણ છે...