નુક્સાન:પશ્ચિમ કચ્છમાં અતિ ભારે વરસાદથી 325થી વધુ વીજ પોલ ધરાશાયી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1325 ફીડર બંધ પડ્યા જે પૈકી 1206માં વીજ પુરવઠો પૂર્વવત કરાયો

પશ્ચિમ કચ્છમાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે વીજ માળખાને મોટું નુક્સાન થયું હોવાનું બહાર આવ્યું છે. અતિ ભારે વરસાદથી 325થી વધુ વીજ પોલ ધરાશાયી થવાની સાથે 14 કિલો મીટર જેટલી લંબાઇના વાયર પણ જમીનદોસ્ત થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 1325 વીજ ફીડર બંધ પડી ગયા હતા જે પૈકી 1206 ફીડરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં સપ્તાહ સુધી વરસેલા વરસાદથી અનેક જગ્યાએ માર્ગોનું ધોવાણ તો થયું જ છે તેની સાથે વીજ માળખાને પણ વ્યાપક જફા પહોંચી છે.

આ અંગે વિગતો આપતાં ભુજ વીજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર અમૃત ગુરવાએ જણાવ્યું હતું કે, પાણી પડવાના કારણે જમીન ધોવાણ થવાથી તેમજ કેટલાક કિસ્સામાં પવન ફૂંકાવાના પગલે જ્યોતિગ્રામ અને ખેતીવાડીમાં વીજ પુરવઠો પૂરો પાડતા 325 જેટલા થાંભલા જમીનદોસ્ત થયા હતા. પીજીવીસીએલ દ્વારા યુધ્ધના ધોરણે મરંમત કામ શરૂ કરાયું હતું અને 200 પોલ ઉભા કરી દેવાયા છે જ્યારે બાકીના તબક્કાવાર કરાશે. 1325 જેટલા વીજ ફીડર બંધ પડી ગયા હતા જેમાંથી 1206 ફીડરમાં પાવર સપ્લાય પુન: સ્થાપિત કરી દેવાયો છે.

ખેતીવાડીના ફીડરો બંધ પડ્યા છે જે પાણી ઓસરી જતાં ચાલુ કરી દેવાશે. થાંભલાઓની સાથે 14 કિલો મીટર જેટલા વીજ વાયરોને પણ નુક્સાન પહોંચ્યું છે. ત્રણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ટુકડીઓ કામે લાગી હતી જેને પગલે અબડાસાના બારા ગામને બાદ કરતાં તમામ સ્થળે વીવ પુરવઠો પૂર્વવત થઇ ગયો છે તેમ વીજ વડાએ ઉમર્યું હતું.

બારામાં આજે મોડી સાંજ સુધી લાઇટ ચાલુ થશે
ભારે વરસાદના કારણે પૂલ તૂટવાથી છેલ્લા કેટલાક દિવસથી વિખૂટા પડી ગયેલા અબડાસા તાલુકાના બારા ગામમાં દસેક દિવસથી વીજ પુરવઠો બંધ છે. આ દિશામાં વિદ્યુત કંપનીની ટુકડીઓ કામે લાગી છે અને આજે ગુરૂવારે મોડી સાંજ સુધી ગામમાં પાવર પહોંચતો થઇ જશે. નદીમાં ઉભા કરાયેલા બે વીજ પોલ તણાઇ જતાં પાવર કટ થઇ ગયો છે અને હજુ પણ વાહનો જઇ ન શકતાં હોવાથી મરંમત કામમાં બાધા આવે છે તેમ સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...