ધરપકડ:છરીની અણીએ મોબાઇલની લૂંટ; બે શખ્સ કલાકોમાં ઝડપાઇ પણ ગયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ઉદ્યોગ રીંગ રોડ પર રિક્ષામાં આવ્યા, યુવકને ડરાવી ચલાવી લૂંટ
  • પોલીસે ગુનો ઉકેલી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

મંગળવારે રાત્રીના ભુજના જિલ્લા ઉદ્યોગ રીંગ રોડ પર રાહદારી યુવક સાથે રિક્ષામાં આવેલા ત્રણ શખ્સએ છરીની અણીએ મોબાઇલની લૂંટ કરી જવાના કેસમાં બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે હજુ એક નખત્રાણાનો શખ્સ ફરાર છે. પકડાયેલા બે આરોપીને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરી શનિવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઇ ટી.એચ.પટેલે જણાવ્યું હતું કે, ભાનુશાલીનગર પાછળ રઘુવંશીનગરમાં રહેતા મનિષભાઇ મોહનભાઇ ગરવા (ઉ.વ.24) રાત્રીના આઠ વાગ્યે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રીંગ રોડ પર પગે જઇ રહ્યા હતા. ત્યારે મહાકાળીના મંદિર પાસે રિક્ષામાં આવેલા શખ્સોએ ફરિયાદીને બોલાવી કોલ કરવા માટે મોબાઇલ માંગયો હતો. બાદમાં છરી કાઢી ધાક ધમકી આપી મોબાઇલ લઇને આરોપીઓ નાસી ગયા હતા.

બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજાને લંટ ચલાવનાર ભુજના ભીડ નાકા બહાર સીતારા ચોકમાં રહેતા ખેતશી ઉર્ફે મીઠુ સામજીભાઇ મારવાડા (ઉ.વ.23) અને ભુજીયા રીંગ રોડ પર રામનગરી ખાતે રહેતા સેઝાન ઉર્ફે ધવલીયો અબ્દુલ સમેજા (ઉ.વ.19) નામના બે આરોપીઓ હોવાની બાતમી મળતાં બન્ને આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજામાંથી લૂંટાયેલો મોબાઇલ અને રિક્ષા કબજે કર્યો હતો.

પુછપરછમાં નખત્રાણાના રહેતો અને અબડાસાના બીટા ગામનો ભાવેશ શંભુલાલ વાણંદ લંટમાં સાથે હોવાનું પોલીસને જણાવતાં પોલીસે ત્રીજા આરોપીને પકડવા તપાસ તેજ કરી છે. પકડાયેલા આરોપીઓને 5 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં અદાલતે બન્ને આરોપીઓને શનિવાર સુધી રિમાન્ડમાં રાખવા મંજુરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...