કલેક્ટર કચેરીમાં આવેલી ભૂસ્તરશાસ્ત્રીની ઓફિસમાં ધમાલ મચાવી બે જણાએ કચેરી બાનમાં લઇ અંતે સરકારી ઓફિસને તાળું મારી કર્મચારીઓને અંદર પુરી દેતા મામલો ગરમા ગરમીમાં આવી ગયો હતો અને કલેક્ટર કચેરીમાં બનેલા બનાવથી ભારે નાસભાગ સાથે ખુદ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા.
એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે,ગત તા.29/5ના ખાણ-ખનીજની ટીમ ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પધ્ધર રોડ પરથી એમફ્રીઓ પ્રા.લિ. કંપનીના વજન કાંટા પર ડમ્પર નં.જીજે12-બીવી-6787 કે જેમાં પ્રોસેસ ચાઇનાક્લે ખનીજ ભરેલું હતું તેનું વજન કરાવતા તેમાં 21.8 મેટ્રીક ટન ખનીજ હોવાનું જણાઇ આવ્યું હતું તે સમયે ડ્રાઇવર બીલાલ ઇસ્માઇલ ખલીફાને પુછતા તેની પાસે રોયલટી પાસ મળી આવ્યો ન હતો. જેથી વાહન સિઝ કરીને પધ્ધર પોલીસમાં રાખવામાં આયું હતું.
દરમિયાન ગેરકાયદે રીતે ખનીજનું વહન કરવામાં આવ્યું હોવાથી તે ગુજરાત ખનીજ નિયમો 2017ના 3,5,7નો ભંગ જણાતા 30/5ના પત્રથી ડમ્પર માલિક અટલનગર ચપરેડીના ભરતભાઇ કાનજીભાઈ ગાગલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ભરતભાઇ તેમની સાથે કાળીતલાવડીના હમીરભાઇ ચાવડાને લઇને કલેક્ટર કચેરીમાં આવેલી ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ આવ્યા અને અધિકારી યોગેશ મહેતાને મળવા માટે ચીઠ્ઠી લખી તેમાં દંડ પેટે મળવા બાબત કારણ લખાવ્યું હતું. જોકે, યોગેશ મહેતા કામમાં વ્યસ્ત હોઇ બન્ને જણા રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીતેન કાંતિલાલ ગોરને મળવા ગયા ત્યારે સિઝ કરાયેલા ડમ્પરમાં દંડ માફ કરવા માટે રજૂઆત કરી હતી, પરંતુ નિયમોનો ભંગ હોઇ દંડ ભરશો પછી જ વાહન મુક્ત થશે તેવું જણાવાયું હતું. જેથી બન્ને જણા ઓફિસમાંથી નીકળ્યા અને બહાર જઇ ઓફિસનો દરવાજો બંધ કરી તાળું મારી દીધું હતું.
એકાએક કર્મચારીઓને રૂમમાં પૂરી બહારથી તાળું મારી દેવાતા કચેરીમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. ધાધલ ધમાલ વચ્ચે કોઇએ પોલીસને જાણ કરતા કોન્સ્ટેબલ વસંતકુમાર ચૌધરી આવ્યા અને તેમણે બહારથી દરવાજો ખોલ્યો હતો ત્યારે ભરતભાઇ ગાગલ અને હમીર ચાવડા ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતા સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલતા જણાઇ આવ્યા હતા. જેથી ઉપરોક્ત હકીકતો સાથે રોયલ્ટી ઇન્સ્પેક્ટર (ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ-કચ્છ પશ્ચિમ) જીતેન કાંતિલાલ ગોરે એ-ડિવિઝનમાં બન્ને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેની તપાસ સંભાળતા એએસઆઇ રૂદ્રસિંહ જાડેજાથી વાત કરતા તેમણે હજુ નિવેદન લેવાની કામગીરી ચાલુમાં હોઇ કોઇની અટકાયત ન કરાઇ હોવાનું કહ્યું હતું. નોંધનીય બાબત એ છે કે, આરોપી તરીકે દર્શાવેલા હમીરભાઇ ચાવડા પોતે ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કંકુબેન ચાવડાના પતિ હોવાનું સામે આવ્યું છે.
ડમ્પર વજનકાંટા પર જતું હતું ત્યારે ખોટી રીતે સિઝ કરાયું હતું : હમીર ચાવડા
દરમ્યાન ફરિયાદ ભ્રામક હોવાનો ખુલાસો કરી નિવેદનમાં જણાવાયું છે કે, ખાણ ખનિજ કચેરીના અધિકારીઓ દ્વારા ચાઈના ક્લેનું પરિવહન કરતાં ટ્રકમાલિકોને ખોટી રીતે પરેશાન કરી, દંડ ભરવા અથવા અધિકારીઓના ખિસ્સા ભરવા મજબૂર કરાતા હોવા મુદ્દે હમીર ચાવડા ટ્રકમાલિક જોડે રજૂઆત કરવા ગયા હતા. પરંતુ, કચેરીના જવાબદાર અધિકારી યોગેશ મહેતાએ રજૂઆત સાંભળવાના બદલે મને સમય નથી તેમ કહી ચાલ્યાં જવાનું કહેતા વિરોધ દર્શાવવા કચેરીના બે દરવાજા પૈકી એક દરવાજાને તાળાબંધી કરી હતી.વિરોધ બાદ ભરત ગાગલ સ્વેચ્છાએ તાળું ખોલવા ગયા ત્યારે કર્મચારીઓએ તાળું ખોલવા દીધું નહોતું.
સામાન્ય રીતે કોઈ કારખાના પાસે પોતાના વજનકાંટા હોતા નથી, માટે ટ્રકો ખાનગી વજન કાંટા પર વજન કરાવવા જતી હોય છે. આ હકીકતને ધ્યાને લીધા કે સાંભળ્યા વગર વજનકાંટે જતી ગાડી પકડીને ખાણ ખનિજ વિભાગ ગેરકાયદે ખનિજ પરિવહન કરતાં હોવાનો આરોપ મૂકી કટકી માંગે છે.કટકી મળી જાય તો કાર્યવાહી કરાતી નથી પરંતુ કટકી ના મળે તો વાહન સીઝ કરી, વાહન માલિકને મનફાવે તેટલો દંડ ભરવા ફરજ પડાતી હોવાનો આક્ષેપ કર્યો છે.આ મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવશે.
કચેરીને તાળું મારી કર્મચારીઓને પુરવાના બનાવમાં 16 સરકારી વ્યક્તિ સાક્ષી બન્યા
એ-ડિવિઝન પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ આ બનાવમાં 16 સરકારી વ્યક્તિ સાક્ષી બન્યા છે. જેમાં કોન્સ્ટેબલ વસંતકુમાર ચૌધરી, તેમજ ખાણ-ખનીજ કચેરીના જ ભુસ્તરશાસ્ત્રી યોગેશ મહેતા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવિક જોષી, માઇન્સ સુપરવાઇઝર યુવરાજ ગઢવી, સંજય લાખાણોત્રા, સર્વેયર દિલીપ હસન, ગૌરવ બાલધા, ફેલોજીઓલોજીસ્ટ ગેવિન મેન્ડોઝા, સિનિયર ક્લાર્ક શૈલેષભાઇ ગજ્જર, જુનિયર કલાર્ક એમ.ડી.જાદવ, માલાભાઇ રબારી, હિતેશભાઇ ચૌધરી, આશિષદાન ગઢવી, આઇટી એક્ઝિક્યુટિવ જૈનિશ આચાર્ય, સિક્યુરિટીગાર્ડ સચદે ગુરદીપસિંહ અને યુવરાજસિંહ જાડેજા સાક્ષી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
કચેરીમાં બનેલો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ
આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા ડીવીઆર તેમજ આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ મુલાકતની ચીઠ્ઠી, વાહન માલિકને અપાયેલી નોટિસ પોલીસને તપાસ માટે અપાઇ છે. તેમજ ઓફિસ દરવાજામાં જે તાળું મરાયું તે હાલે પણ લાગેલ હોવાનું જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.