આક્ષેપ:કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પાણી, ચારા વિના માલધારીઓનું સ્થળાંતર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ જિલ્લા પ્રમુખે સરકારી વહીવટી તંત્રને સુષુપ્ત ગણાવ્યું
  • વેળાસર યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો તાલુકા અને જિલ્લા મથકોએ જલદ કાર્યક્રમ

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે, સરહદી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી અને ઘાસચારાના અભાવે પશુપાલકો સ્થળાંતર કરી રહ્યા છે. તેમણે સરકારી વહીવટી તંત્રને સુષુપ્ત ગણાવીને વેળાસર ન જાગે તો તાલુકા અને જિલ્લા મથકોએ જલદ કાર્યક્રમની ચિમકી પણ આપી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં પીવાના પાણીની પણ તીવ્ર તંગી સર્જાઈ છે. પશુઓને ઘાસચારો મળતો નથી. પરિણામે પશુપાલન પર નભતા પરિવારો હિજરત કરી રહ્યા છે, જેમાં બન્ની, પચ્છમ, લખપત, અબડાસા, રાપર, ભચાઉના રણ વિસ્તારના ગામડાઓમાં પરિસ્થિતિ અતિવિકટ થઈ ગઈ છે. જે માટે સરકારી વહીવટી તંત્ર જવાબદાર છે.

તેમણે ભાજપ ઉપર શબ્દોના બાણ છોડતા જણાવ્યું હતું કે, માનવ વિકાસની ગુલબાંગો પોકારતી ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. પીવાના પાણી, ઘાસચારો જેવી મહત્ત્વપૂર્ણ જરૂરિયાતો સંતોષવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે, જેથી પશુપાલકો, ગામડાના લોકો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે.

વનતંત્રએ કરોડો ખર્ચ્યા છતાં કેટલું ઘાસ ઉપલબ્ધ ?
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં વનતંત્ર દ્વારા આગામી અછતને પહોંચી વળવા વાવેતર પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે. પરંતુ, કેટલું ઘાસ ઉપલબ્ધ છે. એ એક પ્રશ્ન છે. ગોદામોમાં કેટલો જથ્થો છે એ પણ એક પ્રશ્ન છે. સરકાર આવી કપરી પરિસ્થિતિમાં વિતરણ કરશે કે કેમ. જે બાબતે કોઈ જ નક્કર આયોજન નથી.

માલધારી સંગઠનોની ભીતિ સાચી ઠરશે
કચ્છ જિલ્લાના માલધારીઓ અને સંગઠનોએ અવારનવાર ગોદામોમાં પડેલા ઘાસચારાને સ્થાનિક માલધારીઓને રાહત દરે આપવાની અનેકવખત માંગ કરી છે. પરંતુ, અપાયો નથી, જેથી ઘાસચારો સડી જાય એવી ભીતિ પણ વ્યક્ત કરી છે. જે સાચી ઠરશે. જોકે, ઘાસચારો પગ કરી જાય એવી પણ ભીતિ છે.

સરકાર અને વનતંત્ર વચ્ચે સંકલનનો અભાવ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, વનતંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે.

માત્ર બેઠકો અને ચર્ચાઓ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલની સરકાર દ્વારા હાઈ લેવલ મીટિંગો, ચર્ચા વિચારણાઓ તો કરાય છે. પરંતુ, જમીન લેવલે કોઈ જ અમલવારી નથી.

કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવા માગ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગામડાઓમાં પીવાના પાણીની તંગી અને ઘાસચારાની અછત વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા મથકોએ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...