માંગ:રાજ્યમાં મેટ્રો અને સ્પીડટ્રેન દોડતી થઈ પણ કચ્છ સૌરાષ્ટ્ર સાથે રેલસેવાથી જોડાયું નહીં !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના 4 ઝોનમાં કચ્છ-સૌરાષ્ટ્રને એક ગણાય પણ ટ્રેનસેવામાં બંને વિખુટા
  • રાજકોટ, ભાવનગર, સોમનાથને જોડતી ગાડી શરૂ કરવા ઉઠતી માંગ

કચ્છને રેલવે સેવામાં અવારનવાર અન્યાય થતો આવ્યો છે ગાંધીધામ સુધી આવતી મોટા ભાગની ટ્રેનો ભુજ સુધી લંબાવવા માટે વારંવારની માંગણી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.ભુજના સ્ટેશને ટ્રેનો થોભવા માટેની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ટ્રેનો લંબાવવામાં આવતી નથી.એક તરફ રેલવે દ્વારા ભુજના સ્ટેશનને એરપોર્ટ જેવો લુક આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

પરંતુ બીજી તરફ ગુજરાતના હૃદય સમાન સૌરાષ્ટ્રના શહેરોને જોડતી એક પણ ટ્રેન કચ્છ માટે છે જ નહીં.જ્યારે જ્યારે સરકારી યોજનાઓ કે અન્ય કોઈ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવે ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છને એક ઝોનમાં ગણવામાં આવે છે પરંતુ એક ઝોનમાં આવતા સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે રેલવેની સેવા જ નથી !

હાલમાં વિવિધ સરકારી નોકરીઓ તેમજ રોજગારી અને ધંધાર્થે સૌરાષ્ટ્રના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો કચ્છમાં સ્થાયી થયા છે પરંતુ કચ્છના મુખ્ય મથક ભુજથી રાજકોટની જોડતી કોઈ સેવા નથી.રાજકોટ સિવાય ભાવનગર, સોમનાથ,વેરાવળ સહિતના શહેરો સાથે સાંકળતી ટ્રેન સેવા શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં રેલવે વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેની પાછળ નબળી નેતાગીરી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણકે કચ્છમાંથી જોઈએ તેટલા પ્રમાણમાં રજૂઆતો રેલવે સુધી પહોંચતી જ નથી.

નાગરિકો પોતાની વ્યથા નેતાઓ સુધી પહોંચાડે છે પરંતુ ચૂંટણી માટે સીમિત રહી ગયેલા નેતાઓ આ મુદ્દે ભારપૂર્વકની રજૂઆત કરતા જ નથી.હાલમાં જ્યારે દિવાળી નજીક છે ત્યારે મોટી સંખ્યામાં નોકરીયાત વર્ગ સૌરાષ્ટ્ર તરફ જશે પરંતુ ટ્રેનની કોઈ સેવા નથી,વિમાનની કોઈ સેવા નથી.જેના કારણે બસો તરફ ઝુકાવ વધશે.જેથી એસટી બસોમાં તો જગ્યા જ નહિ હોય જેની સામે પ્રાઇવેટ બસોમાં બેફામ ભાડા વસૂલવામાં આવશે.પરંતુ પ્રજાનો અવાજ સાંભળે તેવું કોઈ છે જ નહીં. સૌરાષ્ટ્ર-ગુજરાત રેલ પરિવહન દ્વારા પણ નવી ટ્રેન માટે ભલામણ કરવામાં આવી છે.ખાસ કરીને ભુજથી રાજકોટ,ભાવનગર,સોમનાથ અને વેરાવળને જોડતી ગાડી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

15 વર્ષ પહેલા ટ્રેન શરૂ કરી પણ...
આજથી 15 વર્ષ પહેલા વર્ષ 2007-08 માં આનંદ એક્સપ્રેસ નામથી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી પણ ત્યારે તેનો સમય ખોટો રખાયો હતો જેથી લોકોએ પ્રતિસાદ ન આપતા આખરે રેલવેએ પ્રવાસી ન મળતા હોવાનું કહી સેવા બંધ કરી હતી.આ 15 વર્ષમાં કચ્છમાં જેટગતિએ વિકાસ થયો છે જેની નોંધ દુનિયાના દેશોએ પણ લીધી છે.

ધારાસભ્યોની સાથે ચેમ્બર સહિતના નિરસ
મહત્વની વાત તો ત્યાં છે કે,નવી સેવા શરૂ કરવા માટે સાંસદ,જિલ્લાના ધારાસભ્યો તેમજ વેપારીઓની સંસ્થા એટલે કે ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાઓને કોઇ રસ જ ન હોય તેમ આ મુદ્દો ઉપાડતા જ નથી.રેલવે સુધી યોગ્ય રજુઆત થાય તો જ આગળની કાર્યવાહી થાય પણ આ મુદ્દો ઉપડતો નથી અને ઉપડે તો ચૂંટણી સુધી સીમિત રહી જાય છે તે પણ વાસ્તવિકતા છે.

સાંસદ કહે છે,મેં રજૂઆતો કરી છે !
આ બાબતે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે,ભૂતકાળમાં આ બાબતે મેં રજૂઆતો કરી છે તેમજ કઈ ટ્રેન,ક્યાં સ્ટેશનો સાથે સાંકળીને દોડાવી શકાય તે સહિતના મુદા પણ રજૂ કર્યા છે.

કચ્છને વધુ એક ઠેંગો : રેલવેના એરિયા મેનેજર અને પીઆરઓ કહે છે,કોઈ વિચારણા પણ નથી
આ બાબતે ગાંધીધામ એરિયા મેનેજર આદિશ પઠાણીયા અને અમદાવાદ ડીવીઝનના સિનિયર પીઆરઓ જીતેન્દ્ર જયંતને પુછતા તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે રેલસેવા શરૂ કરવા માટે કોઇ વિચારણા ન હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...