ડેટા એન્ટ્રી ઓપરેટરોને હાજર રહેવા ફરમાન:કચ્છ સહિત રાજ્યમાં જમીન સંપાદન કામગીરી અંગેની ડેટા એન્ટ્રીમાં છબરડો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયસેગના કર્મચારીઓની હાજરીમાં ટેકનિકલ સમસ્યાઓનું થશે નિરાકરણ
  • વિવિધ જિલ્લાના જાણકાર અધિકારી, ઓપરેટરને હાજર રહેવા ફરમાન

કચ્છ સહિત રાજયમાં જમીન સંપાદનની કામગીરી અંગેની ઓનલાઇન એન્ટ્રીમાં છબરડાના પગલે રાજ્યના મહેસૂલ વિભાગે સંબંધિત જિલ્લાઓના જાણકાર અધિકારીઓ, ડેટા એન્ટ્રી ઓપરેટરોને હાજર રહેવા ફરમાન કર્યું છે.

જમીન સંપાદન અધિનિયમ-2013 હેઠળ રાજ્યમાં જુદા-જુદા પ્રોજેક્ટ માટે જાહેરનામાની દરખાસ્તને મંજૂર કરવાની કામગીરી તા.21-2-22થી ઓનલાઇન કરવામાં આવી છે. રાજ્યમાં ચાલતા પ્રોજેક્ટની કામગીરીની ડેટા એન્ટ્રી માટે તા.1-4-22થી તા.6-4-22 સુધી જિલ્લાના જાણકાર અધિકારી, ડેટા એન્ટ્રી ઓપરેટર, સંપાદક સંસ્થાના પ્રતિનિધિ તેમજ જમીન સંપાદન અધિકારીને જમીન સંપાદન પોર્ટલ અંગેની તાલીમ તેમજ પ્રત્યક્ષ જમીન સંપાદન પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરાવવામાં આવી હતી તેમ છતાં પણ કચ્છ સહિત રાજ્યના પ્રોજેક્ટ કર્મચારી, અધિકારીઓએ ચોક્કસાઇથી ડેટા એન્ટ્રી કરી નથી. વધુમાં ડેટા એન્ટ્રી પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર પણ મોકલવામાં આવ્યું નથી.

જમીન સંપાદનની કામગીરી અંગેની ઓનલાઇન ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલો અને સમસ્યાઓના નિરાકરણ માટે તા.30-5 સુધી બાયસેગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, તા.28-1-22ના પરિપત્રથી આવા પ્રોજેક્ટની સમીક્ષા માટે દર મહિને 15 દિવસમાં એક વખત સચિવ (જ.સુ.) કક્ષાએ તથા દર માસે મુખ્ય સચિવ કક્ષાએ યોજાતી બેઠકમાં સમીક્ષા કરાય છે.

26મીએ કચ્છના અધિકારી, ઓપરેટરને ગાંધીનગરનું તેડું
તા.10-5ના મહેસૂલ વિભાગના ઉપસચિવ એચ.જે. રાઠોડે કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરોને પાઠવેલા પત્ર મુજબ ઓનલાઇન ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલો, સમસ્યાઓના નિરાકરણ માટે તા.30-5 સુધી કોન્ફરન્સ હોલ, બ્લોક નં.11/9, સચિવાલય, ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાઓ માટે અલગ-અલગ તારીખ ફાળવી સંબંધિત જિલ્લાના અધિકારી, ઓપરેટરોને હાજર રહેવા આદેશ કર્યો છે, જેમાં તા.26-5ના કચ્છ તેમજ બોટાદ અને દ્વારકા જિલ્લાના જાણકાર અધિકારીને ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે હાજર રહેવા તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...