શનિવારે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થતા જ હવે કોલેજોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓએ દોટ મૂકી છે. રાજ્યનું રિઝલ્ટ 86.91 ટકા આવ્યું જયારે કચ્છ જિલ્લાનું 91.24 ટકા પરિણામ સાથે છેલ્લા છ વર્ષનું સૌથી ઉચું પરિણામની સાથે રાજયમાં સાતમો નંબર આવ્યો છે. હવે 10મીથી કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાનું શરૂ થશે. આ વખતે પ્રથમ મેરીટ 5 ટકા જેટલો ઉંચુ જવાની શક્યતા શિક્ષણ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં 8776 જણાએ પરીક્ષા આપતા તેમાંથી 8008 વિદ્યાથીઓ પાસ થયા છે. બી.એ અને બી.કોમમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓએ દોટ મૂકી છે. કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર 10મી તારીખથી ઓનલાઇન એડમિશનના ફોર્મ ભરવાનું શરૂ થશે. બી.એ. અને બી.કોમ માટેના ફોર્મ 10 દિવસ સુધી ભરાયા બાદ પાંચ દિવસ એટલે કે 21 કે 22મી તારીખે પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરાશે.
આ અંગે કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટાર ડો. જી. એમ. બુટાણીએ જણાવ્યું હતું કે, બે દિવસ બાદથી ઓનલાઇન ફોર્મ ભરવાનું વેબસાઇટ પર શરૂ થશે, જે પ્રથમ રાઉન્ડ પંદર દિવસ ચાલશે બાદમાં કોલેજ દ્વારા પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરાશે. ધોરણ 12નું રેકોર્ડ બ્રેક પરિણામના કારણે પ્રથમ વર્ષ કોમર્સ અને આર્ટસની તમામ કોલેજોમાં એકંદરે પ્રવેશ મેરિટ ત્રણથી પાંચ ટકા જેટલુ ઊંચુ જશે તેવી સંભાવના છે.
600 બેઠક છે, ફુલ થયા બાદ વધુ ફાળવાશે : પ્રિન્સિપાલ ભુજની આર. આર. લાલન કોલેજના પ્રિન્સિપાલ છત્રપાલસિંહ ઝાલા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર 10મી તારીખથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ કરાશે જે દસ દિવસ બાદ કોલેજ પાસે આવશે અને 22મી તારીખે પ્રથમ મેરીટ બહાર પાડવામાં આવશે. બી.એ.ની કુલ 630 આસપાસ બેઠકો પર અેડમિશન અપાયા બાદ બાકીની વધુ 350 જેટલી બેઠકો કચ્છ યુનિવર્સિટી દ્વારા ફાળવાશે.
પરિણામ ઉચું આવતા પ્રથમ મેરીટ ઉચું જશે : કોમર્સ કોલેજ ભુજની કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડી. એ. અગારાએ જણાવ્યું હતું કે, આ વર્ષે 91 ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે રહેશે. કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર એડમિશન માટે અરજી થયા બાદ કોલેજ પાસે ફોર્મ આવશે. પ્રથમ મેરીટ પાંચ ટકા જેટલું ઉચું જવાની શક્યતા છે. કોલેજ પાસે 600 બેઠક છે તે મુજબ એડમિશન સ્વિકારાશે.
બી.એસ.સી.નું પ્રથમ મેરીટ 17મીએ જાહેર થશે ધોરણ 12 સાયન્સનું પરિણામ વહેલું જાહેર થઇ ગયું છે, જેથી કચ્છ યુનિ.ની વેબસાઇટ પર બી.એસ.સી. માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પાંચેક દિવસમાં એડમિશન ફોર્મ કોલેજ પાસે પહોંચશે એટલે 17મીએ લાલન કોલેજ દ્વારા પ્રથમ મેરીટ જાહેર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.