પોષ સુદ ચૌદસની પરોઢથી જ હિમક્ષેત્રના ઓતરાદા વાયરાઓએ સરનામું બદલીને જાણે મુકામ પોસ્ટ નલિયા કર્યું હોય તેમ ઠંડીનું તીવ્ર મોજું ડંખીલા ઠાર સાથે કચ્છભરમાં એવું તો ફરી રહ્યું છે કે જનજીવન જ ઠપ થઇ ગયું છે. નલિયામાં તાપમાનનો પારો એકાએક એકસાથે છ ડિગ્રી નીચે ઉતરતા લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં પારો 9 ડિગ્રીએ અટક્યો હતો. જાન્યુઆરીમાં દાયકાની સૌથી વધુ ઠંડી ગુરુવારે પડી હતી. અંગ ઠારતી આ આકરી ઠંડીનો રૂબરૂ અનુભવ કરવા ‘ભાસ્કર’ની ટીમે નલિયામાં ઉતરીને ગ્રાઉન્ડ રિયાલિટી તપાસતા ગુરુવાર બપોરે 12 વાગ્યે પણ બજારો શાંત અને સન્નાટો ગાજતો હતો .
લોકો ઘર કે દુકાનોમાં ગરમ વસ્ત્રો, ધાબડામાં લપેટાયેલા અને ખૂણે-ખાંચરે તાપણું કરીને ગોળ કુંડાળે બેઠેલા નજરે પડતા હતા. જેમને નાછૂટકે નીકળવું જ પડ્યું હતું તેવો વર્ગ રસ્તા પર હતો પણ તેય ઓળખી ન શકાય તેવો લબાલબ હતો.નલિયા, કોઠારાથી માંડીને દુર્ગમ એવા ગરડા પંથકમાં આ ઠંડીનો સપાટો જોવા મળ્યો છે.
તરસ લાગતી નથી અને ભૂખ ભાંગતી નથી
પશુપાલકો કહે છે કે દુધાળાં ઢોરોમાં દૂધ ઓછું આવી રહ્યું છે, ડોકટરો નોંધે છે કે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં સહેજ વધારો થયો છે અને જો ઠંડી આમ જ પડશે તો દર્દીઓનો રાફડો ફાટશે. નલિયાવાસીઓની આ ઠંડી સામે એક મોટી અને મહત્ત્વની ફરિયાદ છે કે ગમે તેટલાં ગરમ વસ્ત્રો પહેરો પણ જાહેરમાં ઉત્તર તરફ ટટ્ટાર ઊભા રહી જ નથી શકાતું, પેટમાંથી આંતરડા એકી સામટા ડગતાં હોય તેવો અહેસાસ થાય છે. તરસ લાગતી નથી અને ભૂખ ભાંગતી નથી.
નલિયા ઠંડુગાર શા માટે?
હિમાલય ક્ષેત્રના ઓતરાદા વાયરા સીધેસીધા રાજસ્થાન, કચ્છ અને પાકિસ્તાન પરથી નલિયા પર ઉતરે છે. નલિયાની એક તરફ દક્ષિણ-પશ્ચિમે દરિયો હોવાથી ત્યાંથી આવતા પવનો આ ઠંડાગાર હિમાલયના પવનોથી ટકરાય છે અને નીચી વાટ લઇ અબડાસા પંથક પર તૂટી પડતા ઠંડીનું પ્રમાણ વધુ હોય છે.
દાયકાનો વિક્રમ તૂટ્યો
નલિયામાં 16 જાન્યુઆરી 2011ના રોજ બે ડિગ્રી અને 2 જાન્યુઆરી, 2012માં તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ તો 2021માં પણ 26મી જાન્યુઆરીએ તાપમાનનો પારો 2.8 ડિગ્રી સુધી નીચે સરક્યો હતો. જાન્યુઆરીની દ્રષ્ટિએ વીતેલાં 10 વર્ષનો વિક્રમ ગુરુવારે તૂટ્યો.
પાકમાં ‘હિમ’ પડવાની દહેશત
કચ્છમાં ખૂબ જ ઠંડી પડે તો ખેતરોમાં ઊભેલો પાક મોલ બળી જાય, કાળો થઇ જાય આવું થાય ત્યારે ‘હેમ’ કે ‘હિમ’ પડ્યો કહેવાય. આ હિમ પાંચ-છ એકરમાં જ. પડે ત્યાં એ આગ વગર ઠારથી જ કુમળા એવા પાકને ભસ્મિભૂત કરી નાખે. આ હિમ પડવાનો સમય પરોઢનો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.