ઠંડી વધવાની આગાહી:નલિયામાં પારો 9.5 ડિગ્રી ગગડ્યો, ન્યૂનતમ 5.2 ડિગ્રી સાથે કાતિલ ઠાર

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદ પડે ત્યારે ‘બારે મેઘ ખાંગા’ થયા એવું કહેવાય અને કચ્છમાં જ્યારે ઠંડી પડે ત્યારે અફાટ દરિયામાં ડોલતા મહકાય વહાણો પણ જાણે ખાંગા થયા હોય તેવી માંડવીના દરિયા કિનારે ખેંચાયેલી ભેજભરી તસવીર. - Divya Bhaskar
વરસાદ પડે ત્યારે ‘બારે મેઘ ખાંગા’ થયા એવું કહેવાય અને કચ્છમાં જ્યારે ઠંડી પડે ત્યારે અફાટ દરિયામાં ડોલતા મહકાય વહાણો પણ જાણે ખાંગા થયા હોય તેવી માંડવીના દરિયા કિનારે ખેંચાયેલી ભેજભરી તસવીર.
  • કચ્છમાં પારો વધુ નીચે સરકવાની સાથે ઉત્તરાયણ ઠંડીબોળ બનશે

ઉત્તર ભારતના પહાડોમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલી હિમવર્ષાને પગલે હવામાન વિભાગ દ્વારા ઠંડી વધવાની આગાહી દર્શવાઇ હતી જે સાચી ઠરી હોય તેમ નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો એક ઝાટકે 9.5 ડિગ્રી ગગડીને 5.2 ડિગ્રી થતાં નગરજનોને ફરી કાતિલ ઠારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન આજે શનિવારે લઘુતમ તાપમાન વધુ નીચે સરકવાની સંભાવનાએ કચ્છમાં ઉત્તરાયણ ઠંડીબોળ બની રહેશે. જિલ્લાના અન્ય મથકોએ પણ ન્યૂનતમ પારો બેથી છ ડિગ્રી નીચે ઉતર્યો હતો.

તાપમાન વધુ નીચે સરકવાની સંભાવનાએ કચ્છમાં ઉત્તરાયણ ઠંડીબોળ બની રહેશે
ચાલુ માસની 5 તારીખે 2 ડિગ્રી જેટલા નીચા તાપમાને ઠરીને ઠીકરૂં બનેલા નલિયામાં ક્રમશ: તાપમાન ઉંચકાઇને ગુરૂવારે 14.8 ડિગ્રીએ પહોંચ્યું હતું પણ ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલી હિમવર્ષાની સીધી અસર થઇ હોય તેમ પારો અસામાન્ય રીતે નીચે સરકીને 5.2 ડિગ્રી થતાં કાતિલ ઠારનું સામ્રાજ્ય છવાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના તાપમાનમાં થઇ રહેલા ઉતાર ચડાવના પગલે નગરજનો અકળાયા હતા.

ઠંડીની વધઘટના કારણે શરદી, બીમારીના દર્દીઓનું પ્રમાણ વધ્યું
તો એકાએક થતી ઠંડીની વધઘટના કારણે શરદી, ઉધરસ અને તાવ સહિતની બીમારીના દર્દીઓનું પ્રમાણ વધ્યું હતું. કચ્છમાં બીજા ક્રમે ઠંડા રહેલા જિલ્લા મથક ભુજમાં ગતરાત્રે ઝાકળિયો પવન ફૂંકાવાની સાથે લઘુતમ પારો 6 ડિગ્રી જેટલો લૂઢકીને 11.4 ડિગ્રીએ પહોંચતાં ફરી ઠંડીની ધાર તેજ બની હતી. મહત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સાથે દિવસે ઠંડક અનુભવાઇ હતી.

આગામી પાંચ દિવસ ઠંડીનું જોર રહેશે ​​​​​​​
​​​​​​​ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે પણ પારો ચાર ડિગ્રી જેટલો નીચે સરકીને 12.1 ડિગ્રી રહ્યો હતો.જેને પગલે શિયાળો ફરી અસલી મિજાજમાં જોવા મળ્યો હતો. અહીં અધિકતમ ઉષ્ણતામાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. કંડલા બંદરે દિવસે 26.4 અને રાત્રે 13.5 ડિગ્રી રહ્યું હતું. ઉત્તરી પહાડોમાં થઇ રહેલી હિમવર્ષાને પગલે રાજ્યની સાથે કચ્છમાં હજુ પણ નીચું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. આગામી પાંચ દિવસ ઠંડીનું જોર રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...