ભુજમાં બુધવારે મહત્તમ 41 અને ગુરૂવારે 42 ડિગ્રી રહ્યા બાદ પારો ત્રણ આંક જેટલો નીચે ઉતરીને 39.5 ડિગ્રીએ પહોંચતાં ગરમીમાં રાહત જણાઇ હતી. ગાંધીધામ અને અંજારને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે પણ મહત્તમ તાપમાન બે ડિગ્રી ઓછું થતાં કાળઝાળ ગરમીમાં સામાન્ય રાહત અનુભવાઇ હતી.
જિલ્લા મથક ભુજમાં મંગળવારે મહત્તમ 39.5 ડિગ્રી રહ્યા બાદ બે દિવસ સુધી ગરમીએ જોર પકડ્યું હતું પણ શુક્રવારે ફરી પારો 39.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. ઘટી ગયેલા ઉષ્ણતામાન અને દિવસભર સરેરાશ સાડા સાત કિલો મીટરની ગતિએ દક્ષિણ-પશ્ચિમ દિશાએ ફૂંકાયેલા પવનને પગલે ગરમીમાં રાહત અનુભવાઇ હતી. તો રાત્રે પવનની સાથે ઠંડક પ્રસરી હતી.
ગુરૂવારે 43.1 ડિગ્રી સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે ગરમ રહેલા કંડલા એરપોર્ટ મથકે પણ પારો બે આંક જેટલો નીચે ઉતરીને 41.3 ડિગ્રીએ પહોંચતાં આઠમા સ્થાને ધકેલાયું હતું તેની સાથે ગાંધીધામ અને અંજાર પંથકના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. કંડલા બંદરે અધિકત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા ખાતે બે ડિગ્રી ઘટીને 35 ડિગ્રી રહેતાં ગરમીની અસર ઓસરી હતી. દરમિયાન રવિવારથી મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું ઘટવાનો વર્તારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.