વરસાદ:7 તાલુકામાં ભારે ઝાપટાં રૂપે મેઘરાજાએ પૂરાવી હાજરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં પુર અાવતાં અબડાસાનું બારા અા ચોમાસે સતત બીજી વખત વિખુટું
  • જિલ્લામાં ગુરૂવાર સુધી હળવાથી મધ્યમ અને શુક્રવારે પડી શકે છે ભારે વરસાદ

વરસાદની અાગાહી વચ્ચે રવિવારે ભારે બફારા બાદ પશ્ચિમ કચ્છમાં જિલ્લા મથક ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી તેમજ પૂર્વ કચ્છમાં ભચાઉ, અંજાર તાલુકામાં ઝાપટાંથી મેઘરાજાઅે હાજરી પૂરાવી હતી. તો કયાંક-કયાંક ભારે ઝાપટાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા અને અડધાથી અેક ઇંચ પાણી પડી ગયું હતું. તંત્રના અાંકડા મુજબ સવારે 6થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં ભુજમાં 5 મીમી, નલિયા 8 મીમી, નખત્રાણા 9 મીમી, ભચાઉ 14 મીમી, માંડવી 12 મીમી, લખપત 19 મીમી અને અંજારમાં 6 મીમી વરસાદ પડ્યો હતો. જો કે, હવામાન વિભાગે હજુ જિલ્લામાં ગુરૂવાર સુધી હળવાથી મધ્યમ વરસાદ અને શુક્રવારે જિલ્લાના અમુક સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવી છે.

ભુજ : જિલ્લા મથક ભુજમાં સવારથી ભારે ઉકળાટ બાદ બપોરે 3 વાગ્યા બાદ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. તો વળી તાલુકના અાસપાસના ગામોમાં જેવા કે, માધાપર, કુકમા, લેર, હરીપર સહિતના ગામોમાં ભારે ઝાપટાંથી પાણી વહી નીકળ્યા હતા. ઉપરવાસમાં સુખપર, માનકુવા, લક્કી ડુંગર, ચાંગલાઇ રખાલ સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે હમીરસરની અાવ શરૂ થઇ ગઇ હતી.

દયાપર : લખપત તાલુકાના દયાપરમાં અડધા કલાક સુધી ઝાપટાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર ઝાપટાં વરસ્યા હતા. નલિયા : તાલુકામાં બપોર બાદ ઝાપટાંરૂપે વરસાદ વરસવો શરૂ થયો હતો. તાલુકા મથક નલિયામાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ગરડા પંથકના રામવાડા, બેર, વાગોઠ, વાયોર, ગોયલા, મોખરા, બુટ્ટા સહિતના ગામોમાં કયાંક ઝરમર તો કયાંક અડધાથી અેક ઇંચ પાણી પડી ગયું હતું. તેરા, બારા, લાખણિયા વિસ્તારમાં ઝાપટાં જારી રહ્યા હતા. શનિવારે સારા વરસાદ બાદ નદીઅોમાંથી વરસાદી પાણી ચાલુ રહેતાં અનેક વાહનો ફસાયા હતા. બીજી તરફ બારા અા ચોમાસે સતત બીજી વખત વિખુટું પડી ગયું હતું. તંત્ર દ્વારા માટી નાખીને પૂર્વવત કરાયેલો માર્ગ ફરી ધોવાઇ ગયો હતો. તાલુકાના કોઠારા, કનકપર, જખાૈ સહિતના ગામોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.

માંડવી : માંડવી તાલુકાના ગઢશીશા તેમજ અાસપાસના ગામોમાં ઝાપટાં રૂપે મેઘરાજાઅે હાજરી પૂરાવી હતી. ભચાઉ : ભચાઉ શહેર અને તાલુકાના અમુક ગામોમાં સાંજના સમયે જોરદાર ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો. તાલુકાના ખારોઇ, મનફરા, કડોલ, નેર, માધવપુર જેવા ગામોમાં સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું, તો ચોબારી ,કણખોઈ, ભરૂડિયામાં પણ છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અાહીરપટ્ટીમાં ગાજ્યા મેહ ન વરસ્યા : માત્ર અમી છાંટણા
ચાલુ વર્ષે ભુજ તાલુકાના આહીરપટ્ટીમાં મેધરાજાએ જાણે મોઢું ફેરવી લીધું હોય તેમ નહિવત વરસાદ થયો છે, તેવામાં રવિવારે ઉત્તર દિશાએથી ગાજવીજ સાથે અાવી ચડેલી મેઘવારીએ થોડીવાર માટે લોકોને ખુશ કરી દીધા હતા પરંતુ ગાજવીજ અને પવન બાદ અમી છાંટણા કરી ફરી મેઘરાજાઅે હાથતાળી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...