તાલુકાના મેઘપર કુંભારડી ગામમાં મોટાભાગના રહેણાંક વિસ્તારોને જોડતા માર્ગ બિસ્માર થઈ ગયા છે. એક તરફ ખખડધજ માર્ગો છે તો બીજી તરફ યોગ્ય સફાઈ વ્યવસ્થાના અભાવે રોડની સાઇડ પર જ કચરાના ઢગ ખડકાઈ જતા માર્ગો પર વાહન ચલાવવું દુષ્કર થઈ ગયું છે. આટલું ઓછું હોય તેમ મોટાભાગના માર્ગો બાવળની ઝાડીઓથી ઘેરાઈ ગયા છે.
આદિપુર સાથે જોડાયેલી માંગલ્ય રેસીડેન્સી, સિદ્ધેશ્વર પાર્ક, ભક્તિનગર, સોનલધામ જેવી વિવિધ સોસાયટીઓમાં મોટાભાગના માર્ગો તૂટી ગયા છે. વરસાદી મોસમમાં નહિવત સમારકામને કારણે હાલ આ માર્ગો પર ખાડા છે કે ખાડા પર માર્ગ છે તે સમજવું મુશ્કેલ છે.
મોટાભાગના બિસ્માર માર્ગો પર બાવળની ઝાડીઓ ફેલાઈ ગઈ છે, તો પંચાયત દ્વારા યોગ્ય સફાઈકાર્ય ન થતું હોવાને કારણે આ ઝાડીઓ કચરાથી ભરાયેલી દેખાતી હોય છે. બીજી તરફ, મોટાભાગની સોસાયટીઓના રહેવાસીઓ આ મુદ્દે પંચાયતની ઢીલી કામગીરીને જવાબદાર ગણી રહ્યા છે.
ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં આ મુદ્દે વારંવાર રજૂઆત છતાં યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અંગે મેઘપર કુંભારડીના સરપંચનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે કામગીરી જારી જ છે, મેઘપર કુંભારડીના માર્ગોના નવીનીકરણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ લોકોની આ સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે તેવું તેમણે કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.