મેઘરાજાએ ડેરાતંબુ તાણ્યા:કચ્છમાં મેઘરાજાનો મુકામ : 1થી 8 ઇંચ જળાભિષેક

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણામાં 6 ઇંચ, તાલુકામાં 2થી 8 ઇંચ

કચ્છમાં મેઘરાજાઅે ડેરાતંબુ તાણ્યા છે અને શુક્રવારે જિલ્લામાં 1થી 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શુક્રવારે ભુજ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસભર ઝાપટાં જારી રહ્યા હતા અને ભુજમાં 1 ઇંચ, નખત્રાણામાં 6 ઇંચ અને તાલુકામાં 2થી 8 ઇંચ, નલિયામાં 3 ઇંચ, અબડાસા તાલુકામાં 2થી 7 ઇંચ, મુન્દ્રામાં સાડા ત્રણ ઇંચ, તાલુકામાં 2થી 3 ગાંધીધામમાં દોઢ ઇંચ અને ભચાઉમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. અા ઉપરાંત અંજાર, લખપત તાલુકામાં દિવસ દરમ્યાન ઝાપટાં રૂપે મેઘરાજાઅે હાજરી પૂરાવી હતી.

નખત્રાણા | નખત્રાણામાં શુક્રવારે પડેલા ધોધમાર વરસાદના પગલે 6 ઇંચ પાણી પડી ગયું હતું અને ગામની બજારો નદીઅોમાં ફેરવાઇ હતી, ધસમસતા પાણીના કારણે બજારમાં કાર તણાઈ ગઇ હતી. ગંગા બજાર, મુખ્ય બજાર, નસ સ્ટેન્ડ અને વથાણ ચોક સહિતના વિસ્તારો તળાવમાં ફેરવાયા હતા. ઊંચાઈ પર રહેલી દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયાનું જાણવા મળ્યું હતું. જો કે, વ્યાપક વરસાદ છતાં જાનમાલની કોઈ નુકસાની ન થતાં લોકોએ રાહત અનુભવી હતી. નખત્રાણામાં અત્યાર સુધી મોસમનો 12 ઇંચ વરસાદ વરસી ગયો છે.

તાલુકાના નેત્રામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સરપંચ બહાદુરસિંહ જાડેજા, કરછ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામહુસેન બારાચ, નેત્રા હાઇસ્કૂલના આચાર્ય અભેસિંહ પલાણીયા, અમીત શાહ સહિતના આગેવાનોએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂર પડ્યે સારસ્વતમ્ સંચાલિત નેત્રા હાઇસ્કૂલ ખાતે અસરગ્રસ્તોને સ્થળાંતર કરવા તૈયારી રાખવા જણાવ્યું હતું.

તાલુકાના કોટડા (જડોદર), ઉખેડા, રસલિયા, ખોંભડી, મથલ, ટોડિયા, કાદિયા, વ્યાર, જાડાય, અામારા, નારણપર, બેરૂ, મોસુણા, ગંગોણ, વિભાપર, સુખપર, વેસલપર, ભોજરાજવાંઢ, ભીટારા સહિતના ગામોમાં 24 કલાકમાં 4થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત નાગલપર, અંગિયા, વિથોણ, દેવપર યક્ષ, અાણંદપર, સાંયરા, મોરગર, પલીવાડ, મંજલ સહિતના ગામોમાં 6 ઇંચ મેઘ મહેર થઇ હતી. નલિયા-જડોદર-કોટડા હાઇવે પર વાહનો અટવાયા હતા.

માંડવીમાં 6 ઇંચ સહિત મોસમનો 18 ઇંચ વરસાદ
માંડવી : માંડવી તાલુકામાં 3 દિવસથી મેઘ મલ્હાર વચ્ચે શુક્રવારે વધુ 6 ઇંચ વરસાદ પડતાં માંડવીમાં મોસમનો 18 ઇંચ વરસાદ પડી ગયો છે. તાલુકાના મસ્કામાં હસીનાબેન જુમા રાયમા દૂધ લેવા નીકળ્યા હતા ત્યારે નદીમાં પગ લપસતાં તણાઇ જવાથી તેમનું મોત નીપજ્યું હતું. માંડવી શહેર અને પંથકમાં અેકધારા વરસાદથી બાબાવાડી, મેઘમંગલનગર, નાના તળાવ અને રોડ પર અેક પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

બંદરીય માંડવીમાં ઓગનેલા ટોપણસર તળાવનું જળપૂજન કરાયું
માંડવી : માંડવીના લોક હ્દય સમાન ટોપણસરમાં નવા નીરની આવક પૂરજોશમાં આવતા તળાવ ઓગની ગયું હતું. વર્ષોની પરંપરા મુજબ જૂની પાલિકાથી ઢોલ શરણાઇ અને અબીલ-ગુલાલની છાબો સાથે વાજતે-ગાજતે તળાવ કિનારે આવીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તળાવને પાલિકાના અધ્યક્ષ હેતલબેન સોનેજીએ વધાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરઅધ્યક્ષાને બીજી વખત તળાવ વધાવવાનો નસીબ પ્રાપ્ત થયું છે. આ અવસરે શહેર ભાજપના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મથલ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું : રવાપરમાં ટ્રેક્ટર ફસાયું
રવાપર : ગુરુવાર રાત્રે પડેલા ભારે વરસાદના પગલે નખત્રાણા તાલુકાના મથલની નદીમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. જર્જરીત પુલને લઈ ડાયવર્ઝન પર પાઇપ બેસાડવાની કામગીરીને બે મહિનાથી વધુ સમય થયો છતાં અા કામગીરી પૂર્ણ ન થતાં ભારે વરસાદના કારણે અા ડાયવર્ઝન પણ ધોવાયો હતો. રવાપરમાં સારા વરસાદના પગલે જમીન પોચી થઈ જતા એક ટ્રેકટર ગામના તળાવ પાસેથી પસાર થતી વેળાઅે સાઇડમાં ઉતરી જતાં ગ્રામજનોઅે મહામહેનતે બહાર કાઢ્યો હતો.

તલ-લૈયારીની વચ્ચેની નદીની પાપડી તૂટી જતાં ગામોનો સંપર્ક તૂટ્યો
તલ-લૈયારી માર્ગે અાવતી નદીની પાપડી તૂટી જતાં નખત્રાણાથી લૈયારી તરફ આવનારા વાહનો તલ ગામે રોકાઇ ગયા હતા. નદીમાં ધસમસતા પાણીના કારણે હાલે અા માર્ગ પણ બંધ કરી દેવાયો છે.

તળાવો, ડેમો અોવરફલો થતાં લોકોને ગાફેલ ન રહેવા તંત્રની અપીલ
કચ્છમાં તા.11-7 સુધી ભારે વરસાદની આગાહીના પગલે તળાવો, ડેમો અોવરફલો થવાની સાથે નદીઅોમાં ભારે પુર અાવશે, જેથી લોકોને સતર્ક રહેવા અપીલ સાથે જો કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલિક સબંધિત મામલતદાર કચેરી/તાલુકા પંચાયત કચેરી તથા તાલુકાકક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે 02832-252347-1077 પર જાણ કરવા કાર્યવાહક ડીઝાસ્ટર મામલતદાર એ.એન.ત્રિવેદી દ્વારા જણાવાયું છે.

ભુજમાં 28 મી.મી. પાણી પડ્યું
ભુજ : ગુરૂવારે ભુજમાં 3 ઇંચ વરસાદ ખાબક્યા બાદ સતત બીજા દિવસે મેઘકૃપા વરસી હતી. શહેરમાં ગુરૂવારે મધરાતે ઝરમર શરૂ થયેલા વરસાદ બાદ વહેલી સવારે અને બપોરે ઝાપટાંથી દિવસ દરમ્યાન 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉપરાંત તાલુકાના માધાપર, સુખપર, નારાણપર પંથકમાં મેઘકૃપા વરસી હતી.

જિલ્લાના અમુક સ્થળે સોમવાર સુધી ભારે વરસાદ
હવામાન વિભાગના વર્તારા મુજબ કચ્છમાં હજુ શનિવારથી સોમવાર સુધી અમુક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન તંત્રઅે દર્શાવી છે.

મુન્દ્રામાં ત્રણ ઇંચ, તાલુકામાં બે થી ત્રણ ઇંચ ખાબક્યો
મુન્દ્રા : મુન્દ્રા પંથકમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદે પ્રથમ દિને ચોગો ફટકાર્યા બાદ સતત ત્રીજા દિવસે હેટ્રિક મારતાં નગરના માર્ગો અને વોકળાઓમાં પાણી વહી નીકળ્યા હતા. મામલતદાર કચેરીએથી મળેલા અહેવાલ મુજબ રાત્રે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી 79 મીમી પાણી વરસી ગયું હતું, જેથી મોસમનો કુલ વરસાદ 12.44 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ​​​​​​​યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત ત્રણ દિવસથી જારી રહેલી મેઘ મહેર દરમ્યાન આજે પણ સરેરાશ બેથી ત્રણ ઇંચ પાણી વરસી ગયાના અહેવાલ સાંપડ્યા હતા. આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને મુન્દ્રામાં તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ શરૂ કરી પ્રાંત અધિકારી પ્રજાપતિએ તમામ સંબંધિત ખાતાઓને સંકલનમાં રહેવાનો આદેશ કર્યો છે.

રાપરમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં
રાપર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. શુક્રવારે સવારના ચાર વાગ્યાની આસપાસ છુટા છવાયા ઝાપટા વરસાવતા નેવે પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના મોટી રવ વિસ્તાર અને સેલારી, પ્રાગપર વિસ્તારોમાં ધીમીધારે ઝાપટાં રૂપી મેઘમહેર થતાં ક્યાંક હરખ તો ક્યાંક ઉચાટની લાગણી ખેડૂતો વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. રાપરમાં પણ વહેલી સવારે ઝાપટાં બાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ભચાઉમાં માત્ર 10 મીમી વરસાદ
ભચાઉ : ભચાઉ શહેર અને નજીકના વિસ્તારોમાં આજે વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને સવારે છ વાગ્યાથી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને 10 મીમી પાણી પડ્યું હતું. જો કે, ત્યારબાદ મેઘરાજાઅે હાથતાળી અાપી હતી. જિલ્લામાં હજુ સોમવાર સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે રાપર,ભચાઉ તાલુકામાં પણ મેઘરાજા હેત વરસાવશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાતાં કંપનીના મજૂરોને ઘડુલીની શાળામાં ખસેડાયા
દયાપર, નારાયણ સરોવર | દયાપર સહિત લખપત તાલુકામાં પણ શુક્રવારે મેઘકૃપા વરસી હતી. ભારે વરસાદથી ઘડુલીની કેઅેસપીઅેલ કંપનીના 50 જેટલા મજૂરોના કાચા ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘડુલી પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. દયાપરનું મુખ્ય બાંયબાઈ તળાવ ઓગની ગયું હતું. તાલુકાના મેઘપર, નરા, હરોડા, અમિયા, ખટિયા, માતાના મઢ, વિરાણી, ભાડરા, બરંદા, સાયણ, લખપત, ગુનેરી, અમિયા, સિયોત, ઉમરસર, પાનધ્રો, વર્માનગર, કપુરાશી, કોરિયાણી, છેર, મૂડિયા, બિટીઅારી, સુભાષપર સહિતના ગામો ધોધમાર વરસાદથી પાણી પાણી થઇ ગયા હતા.

સાયણ નજીકનો પુલ જર્જરીત બનતાં વાહનો માટે જોખમી બન્યો હોવાનું ગામના દેવશી રબારીઅે જણાવ્યું હતું. શુક્રવારે સરહદી નારાયણ સરોવર, કનોજ, કૈયારી, કપુરાશી, ગુવર, લક્કી, તહેરા, પીપર પંથકમાં અેક ઇંચ પાણી વરસ્યું હતું.

લખપતના અનેક ગામડા વિખુટા પડ્યા
ધોધમાર વરસેલા વરસાદના પગલે ઘડુલી-લખપત, સુભાષપર, પાનધ્રો-નારાયણ સરોવર સહિતના ગામોને જોડતા માર્ગો બંધ થઇ ગયા હતા, જેના કારણે દયાપરમાં હાઇવે પર બંને તરફ વાહનોની કતારો લાગી હતી. ઉપરાંત દયાપર નજીક પુલ પરથી જોશભેર પાણી વહી નીકળતાં વાહનો થંભી ગયા હતા.

મધ્યમ કક્ષાના મીઠી, સાનધ્રો, કંકાવટી ડેમ ઓગન્યા
ભુજ | સતત મેઘવર્ષાના કારણે કચ્છના ડેમો અને તળાવોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે અને શુક્રવારે બપોર બાદ અબડાસા તાલુકામાં મધ્યમ સિંચાઈનો મીઠી,કંંકાવટી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો જ્યારે મોડી રાત્રે લખપત તાલુકાનો સાંધ્રો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હતો અન્ય ડેમોમાં પણ પુરજોશમાં પાણીની આવક ચાલુ હોવાથી ઓગનની નજીક આવી ગયા છે.

અબડાસા તાલુકાના ચાર મુખ્ય ડેમોમાંથી મીઠી ડેમ કંકાવટી ઓવરફલો થયો છે જ્યારે 2 ડેમ જંગડીયા, બેરાચીયા રાત સુધીમા 90% ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.મીઠી ડેમની હદમાં રામપર, વડસર , ત્રમ્બો ગામો આવતા હોઈ અહીં એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કંકાવટી ડેમના નુધાતડ,મીયાણી,હાજાપર,વિઝાણ, ખિરસરા(વી) ગામોમાં લોકોને સતર્ક રહેવા જણાવાયું હતું.આ તરફ જંગડીયા ડેમની હદમાં આવતા ગોયલા,મોખરા,ઐડા,જંગડીયા,ભુટા,લૈયારી તેમજ બેરાચીયા ડેમના નીચાણવાળા ગામો ભાચુડા,બીટીયારી,બેરાચીયા,રવા,સાધવમાં એલર્ટ અપાયું છે.

આ તરફ મોડી રાતના અહેવાલ પ્રમાણે લખપત તાલુકામાં આવેલો સાંધ્રો ડેમ પણ 2 ફૂટની ઉંચાઇએથી છલકાયો હતો.ડેમના નીચાણવાળા ગામો પાંધ્રો,મીઠીયારી અને સુભાષપર ગામના લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના પણ અપાઈ હતી. જિલ્લા ફ્લડ કન્ટ્રોલરૂમમાંથી મળેલી માહિતી પ્રમાણેભૂખી,મથલ,કૈયલા, સુવઇ,કાસવતી,ગજોડ,ફતેહગઢ,બેરાચીયા,ગજણસર,કારાઘોઘા,ડોણ,ટપપર,નરા,નિરોણા,રુદ્રમાતા સહિતના ડેમોમાં નવા નીર આવ્યા છે.

પાવરપટ્ટી 2થી 3 ઇંચ વરસાદથી તરબતર
નિરોણા : પાવરપટ્ટી પંથકમાં ગુરૂવારની મધરાતથી શુક્રવારના બપોર ધોધમાર વરસાદના પગલે સુધી 2થી 3 ઇંચ પાણી પડી ગયું હતું. આ પંથકના બિબ્બરની દક્ષિણ તરફ ચારીયાણ માટે ગયેલી ગામની ભેંસના ધણમાંથી અચાનક અાવેલા નદીના પૂરમાં 3થી 4 ભેંસ તણાઈ ગઈ હોવાનું બિબ્બર સરપંચના પ્રતિનિધિ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. નિરોણાનો આડબંધ ડેમમાં સારા પ્રમાણમાં પાણી અાવતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે.

અબડાસા પર મેઘો ઓળઘોળ: 2થી 7 ઇંચ મહેર વરસી​​​​​​​
​​​​​​​નલિયા : અબડાસા તાલુકાના 166 ગામોમાં 2થી 7 ઇંચ મેઘ મહેર થઇ હતી. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગુરૂવારે રાત્રિથી લઇને શુક્રવારના બપોર સુધી 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ગરડા પંથક, વાયોર વિસ્તાર, મોથાળા, કોઠારા, ડુમરા, જખાૈ, તેરા, બાંડિયા, સુથરી, બિટ્ટા, હાજાપર પંથકમાં 2થી 7 ઇંચ મેઘકૃપા વરસી હતી. ડાયવર્ઝન ધોવાઇ જતાં નલિયા-માતાના મઢ રસ્તો બંધ રહ્યો હતો. તો વળી પાપડી તૂટી જતાં બારા ગામ સતત બીજા દિવસે સંપર્ક વિહોણું બન્યું હતું. લાલાથી બુડિયા પાપડી ધોવાઇ જતાં બુડિયા ગામનો સંપર્ક તૂટ્યો હતો અેમ લાલાના અામદ સંગારે જણાવ્યું હતું.

લાખણિયા, તેરા, કુવાપધ્ધરની નદીમાં ભારે પુરના કારણે તેરા-નેત્રા માર્ગ સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. કોઠારા અને સુથરીમાં તળાવો અોગની ગયા હતા. બિટ્ટા પંથકમાં 4થી 6 ઇંચ વરસાદ પડ્યો હતો.અબડાસા તાલુકામાં વહીવટી તંત્ર અેલર્ટ છે અને પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતે બેઠક બોલાવી નીચાણવાળા વિસ્તારોનો સરવે કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવા સંબંધિત અધિકારી, કર્મચારીઅોને તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...